હાલમાં પાકિસ્તાની રોકાણકારોમાં કરન્સી માર્કેટમાં એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના મધ્યમ વર્ગના લોકો અને નાના વેપારીઓ કરોડોની સંખ્યામાં ઈરાની રિયાલ ખરીદી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને મિત્રોની સલાહ માનીને લોકો આ સસ્તી કરન્સીમાં નાણાં રોકી રહ્યા છે, પરંતુ નિષ્ણાતો તેને અત્યંત જોખમી ગણાવી રહ્યા છે.
કેમ વધી રહ્યો છે ક્રેઝ?
પાકિસ્તાની બજારમાં હાલમાં ૧૦ મિલિયન ઈરાની રિયાલની કિંમત માત્ર 6,000 થી 7,000 પાકિસ્તાની રૂપિયાની આસપાસ છે. રોકાણકારોને આશા છે કે જો ભવિષ્યમાં ઈરાન પરથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટશે, તો આ કરન્સીના ભાવ આસમાને પહોંચશે. 2015માં જ્યારે પરમાણુ કરાર થયો હતો, ત્યારે ઈરાની કરન્સીમાં ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારો તે જ ઇતિહાસનું પુનરાવર્તન થવાની આશા રાખી રહ્યા છે.
સમયની સાથે તૂટતું મૂલ્ય
એક સમયે ઈરાની રિયાલ ડોલર સામે મજબૂત હતો, પરંતુ ઈરાની ક્રાંતિ અને ત્યારબાદના પ્રતિબંધોએ તેની કમર તોડી નાખી છે. 2015માં જે 10 મિલિયન રિયાલ 50,000પાકિસ્તાની રૂપિયામાં મળતા હતા, તે આજે કરાર તૂટ્યા બાદ ઘટીને માત્ર 7 હજાર સુધી પહોંચી ગયા છે. કરાચીના એક વેપારી અહેમદ જણાવે છે કે, તેમણે માત્ર 40,000 રૂપિયા ખર્ચીને 4 કરોડ ઈરાની રિયાલ ખરીદ્યા છે, એ આશા સાથે કે ક્યારેક તો નસીબ ચમકશે.
નિષ્ણાતોની ચેતવણી અને જોખમો
એક્સચેન્જ કંપની એસોસિએશન ઓફ પાકિસ્તાનના અધ્યક્ષ મલિક બોસ્તાન આ બાબતે ચેતવણી આપતા જણાવે છે કે આ રોકાણ 'જુગાર' સમાન છે. સૌથી મોટું જોખમ એ છે કે જો ઈરાન સરકાર પોતાની જૂની કરન્સી રદ કરીને નવી નોટો બહાર પાડે, તો લોકો પાસે રહેલા જૂના રિયાલ માત્ર કાગળના ટુકડા બની જશે. વધુમાં, જો યુદ્ધની સ્થિતિ વણસે તો કરન્સીનું મૂલ્ય શૂન્ય પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Toxic Work place: ટોક્સિક વર્ક કલ્ચરથી વર્ષે 8.4 લાખ મોત, ILO નો ચોંકાવનારો રિપોર્ટ