અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતે જ બનાવેલી ટ્રમ્પ વોલ પર વિચારી રહ્યા છે. પોતાના પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદ પર જે “ટ્રમ્પ વોલ” બનાવવાની શરૂઆત કરી હતી, તેને હવે કાળા રંગથી પેઇન્ટ કરાવવાની તેમની યોજના છે.


કાળો રંગ કેમ?

ટ્રમ્પનું માનવું છે કે જ્યારે આ લોખંડ અને કોંક્રીટથી બનેલી દીવાલને કાળા રંગથી પેઇન્ટ કરવામાં આવશે, ત્યારે તે ગરમી દરમિયાન એટલી ગરમ થઇ જશે કે કોઇ પણ વ્યક્તિ તેને ચડીને પાર કરી નહીં શકે. અનેક લોકો ટ્રમ્પની આ યોજના ને માત્ર એક ફાલતુ વિચાર ગણાવી રહ્યા છે. સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે કરોડોનો ખર્ચ કર્યા પછી શું તેની અસરશીલતા ખરેખર સાબિત થશે?

ટ્રમ્પ વોલ: ઘુસણખોરી અટકાવવાનો પ્રયાસ

અમેરિકા-મેક્સિકો સરહદ લગભગ 2000 માઇલ (અંદાજે 3200 કિ.મી.) લાંબી છે અને ઘણી વખત અહીંથી ગેરકાયદેસર ઘુસણખોરી થતી રહી છે. 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે સરહદ પર એક મજબૂત દીવાલ બનાવવાનું વચન આપ્યું હતું. 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ દિશામાં કામ શરૂ કર્યું. 2017થી 2021 સુધીમાં લગભગ 727 કિમી દીવાલ ઉભી કરવામાં આવી, જેને "ટ્રમ્પ વોલ" તરીકે ઓળખવામાં આવે છે.

બાઈડને કામ રોકાવ્યું, ટ્રમ્પે ફરી શરૂ કરાવ્યું

2021માં જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ દીવાલ બનાવવાનું કામ અટકાવી દેવાયું હતું. પરંતુ હવે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા છે, ત્યારે દીવાલ બનાવવાનું કામ ફરીથી શરૂ થઇ ગયું છે. હોમલેન્ડ સિક્યોરિટી સચિવ ક્રિસ્ટી નોએમ અનુસાર દરરોજ આશરે અડધો માઇલ (0.8 કિ.મી.) દીવાલ ઊભી થઇ રહી છે.

કાળા રંગનો ઓર્ડર

ટ્રમ્પે હવે માત્ર નવી દીવાલ બનાવવાનો નહીં, પણ પહેલેથી બનેલી દીવાલને પણ કાળા રંગથી પેઇન્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિસ્ટી નોએમના જણાવ્યા અનુસાર આ નિર્દેશ ટ્રમ્પની સીધી સૂચનાથી આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ દીવાલ મુખ્યત્વે રણપ્રદેશોમાં છે, જ્યાં કાળો રંગ તેને તાપમાં અત્યંત ગરમ બનાવી દેશે. તેથી, કોઈ ઘુસણખોર તેને સ્પર્શ કરીને ચડી નહીં શકે. સાથે જ લોખંડ પર કાટ લાગવાનો ભય પણ ઘટશે.

ખર્ચો શું થશે

ટ્રમ્પે પોતાના "વન બિગ બ્યુટિફુલ બિલ" હેઠળ સરહદ સુરક્ષા માટે $46.5 અબજ (લગભગ ₹3.8 લાખ કરોડ) મંજુર કર્યા છે, જેમાંથી પેઇન્ટિંગ ખર્ચ કાઢવામાં આવશે. નોંધનીય છે કે આ વિચાર પહેલેથી ટ્રમ્પના મનમાં હતો. 2020માં પણ તેઓ 700 માઇલ દીવાલ પેઇન્ટ કરાવવા ઇચ્છતા હતા, જેના માટે લગભગ $500 મિલિયન (₹4,000 કરોડ) ખર્ચ થવાની આશંકા હતી.

આ પહેલા વિવાદ પણ થયો હતો

2020માં જ્યારે આખી દુનિયા કોરોના મહામારીથી પીડાઈ રહી હતી, ત્યારે ટ્રમ્પની આ પેઇન્ટિંગ યોજના પર ભારે વિવાદ થયો હતો. અર્થતંત્ર પર અસર, લોકડાઉન અને લોકોના રોજગાર ખતમ થતા હોવા છતાં આવા ખર્ચના નિર્ણયથી નારાજગી વધી હતી. આખરે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા અને આ યોજના બંધ થઇ ગઈ.

વૈજ્ઞાનિક આધાર છે?

વૈજ્ઞાનિક રીતે કાળો રંગ સૌર ઉર્જા વધુ શોષે છે અને તેથી વધુ ગરમ રહે છે. ટ્રમ્પના પ્લાન પ્રમાણે, રણપ્રદેશમાં કાળી દીવાલ તાપમાનમાં લગભગ 60°C સુધી પહોચી શકે છે, જેનાથી કોઇ વ્યક્તિ માટે તેને સ્પર્શ કરીને ચઢવી અસંભવ બની શકે છે.

અસર જોવા મળી રહી છે?

હાલના આંકડા મુજબ ટ્રમ્પની કરકસર ઈમિગ્રેશન નીતિઓથી ઘુસણખોરીમાં ભારે ઘટાડો થયો છે. ટ્રમ્પના પગલાં જેમ કે વિઝાવિહિન પ્રવાસીઓને દેશની બહાર મોકલવી, મેક્સિકો પર દબાણ લાવવું, સરહદે સૈનિક મોકલવા જેવા કારણે ઘુસણખોરી ઘટી છે.

જાણકારી મુજબ, 2025ના જૂન માસમાં માત્ર 6,000 ઘુસણખોરોને પકડવામાં આવ્યા હતા, જે માર્ચની તુલનાએ 15% ઓછા છે. આ વર્ષે જમીન માર્ગથી ગેરકાયદેસર ઘુસણખોરીમાં 40% સુધી ઘટાડો થયો છે. 2019માં આ સંખ્યા 9.77 લાખ હતી જેમાં ભારત સહિત અનેક દેશોના લોકો સામેલ હતા.

  • Follow us on: