અમેરિકા અને ઇઝરાયલે ભલે ભૂતકાળમાં ઈરાન પર સંયુક્ત રીતે સૈન્ય કાર્યવાહી કરી હોય, પરંતુ વર્તમાન સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (બીબી) વચ્ચેના વ્યૂહાત્મક અને વૈચારિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે. એક તરફ ટ્રમ્પ પશ્ચિમ એશિયાના આ સંઘર્ષમાં મર્યાદિત અને ઝડપી સફળતા ઈચ્છી રહ્યા છે, તો બીજી તરફ નેતન્યાહૂ ઈરાન અને તેના સહયોગી સંગઠનોને સંપૂર્ણપણે નબળા કરવા માટે લાંબી લડાઈના પક્ષમાં છે. આ બદલાતા સમીકરણો દર્શાવે છે કે બંને દેશોના હિતો હવે જુદા પડી રહ્યા છે.
લેબનાન અને ઈરાન હુમલાથી વધ્યો તણાવ
તાજેતરમાં ટ્રમ્પે જાહેર સ્તરે ઇઝરાયલને લેબનાનની રાજધાની બેરૂત પર હુમલો ન કરવા ચેતવણી આપી હતી. આમ છતાં ઇઝરાયલે ત્યાં હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઉલો દાગી હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથે પડદા પાછળ અત્યંત સંવેદનશીલ વાટાઘાટોમાં વ્યસ્ત હતું. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ટ્રમ્પે ઈરાન પરનો એક પ્રસ્તાવિત હુમલો એ ગ્રાઉન્ડ પર રદ કર્યો કે તેહરાન શાંતિ કરારના ડ્રાફ્ટ માટે તૈયાર છે, ત્યારે નેતન્યાહૂ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે આ ડીલ અંગે ઇઝરાયલને અંધારામાં રાખવામાં આવ્યું હતું.













