પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર (Eastern Mediterranean)માં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે તુર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગને ભારતના મિત્ર દેશો એવા ઇઝરાયેલ, ગ્રીસ અને સાયપ્રસને ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. એર્દોગને સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં ખાસ કરીને સાયપ્રસ દ્વીપની આસપાસ સંઘર્ષની આગ ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો તુર્કીયે અથવા તુર્કીયે-સાયપ્રસના લોકોના હિતો અને અધિકારોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થશે, તો તેનો અત્યંત આકરો અને કડક જવાબ આપવામાં આવશે.
ઇઝરાયેલ-ગ્રીસ-સાયપ્રસ ગઠબંધનથી તુર્કીયે નારાજ
તુર્કીયેના આ ગુસ્સા પાછળ ઇઝરાયેલ, ગ્રીસ અને સાયપ્રસ વચ્ચે બની રહેલું નવું સૈન્ય અને ઉર્જા ગઠબંધન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તુર્કીયેનો આરોપ છે કે આ ત્રણેય દેશો ભેગા મળીને આ વિસ્તારમાં તેનો પ્રભાવ ઘટાડવા અને તેને ઘેરવા માટે વ્યુહાત્મક રણનીતિ બનાવી રહ્યા છે. પોતાની પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા એર્દોગને આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, "કેટલાક નાના જૂથો ઇઝરાયેલના સ્વાર્થ માટે આખા ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આ દેશો માત્ર હવામાં કિલ્લા બનાવી રહ્યા છે અને તેમણે આવા જોખમી પગલાં ભરવાથી બચવું જોઈએ."













