બ્રિટનના કાનૂની ઇતિહાસમાં સૌથી લાંબા અને ચર્ચાસ્પદ બનેલા એક છૂટાછેડાના કેસનો આખરે 23 વર્ષ બાદ અંત આવ્યો છે. લંડનમાં રહેતા ભારતીય મૂળના દંપતી વર્ષા ગોહિલ અને ભદ્રેશ ગોહિલ વચ્ચે વર્ષ 2002થી શરૂ થયેલી કાનૂની લડાઈ બાદ, હાઈકોર્ટે વર્ષા ગોહિલના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વર્ષાને 66 લાખ પાઉન્ડ એટલે કે આશરે 85 કરોડનું સેટલમેન્ટ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ બ્રિટનના તાજેતરના વર્ષોનો સૌથી મોટો અને જટિલ છૂટાછેડાનો કેસ માનવામાં આવે છે.


2002માં થઈ હતી શરૂઆત, પતિએ છુપાવી હતી સંપત્તિ

61 વર્ષીય વર્ષા ગોહિલે મે 2002માં પતિ ભદ્રેશ પર ગેરવર્તણૂક અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના આક્ષેપો સાથે છૂટાછેડાની અરજી કરી હતી. શરૂઆતમાં વર્ષાએ આશરે ₹3.47 કરોડનું સેટલમેન્ટ સ્વીકારી લીધું હતું, પરંતુ તેમને હંમેશા શંકા હતી કે તેમના પતિએ પોતાની સાચી સંપત્તિ છુપાવી છે. કાયદા મુજબ છૂટાછેડા વખતે બંને પક્ષોએ પોતાની પૂરી સંપત્તિ જાહેર કરવાની હોય છે, જેમાં ભદ્રેશ ગોહિલે છેતરપિંડી કરી હતી.

મની લોન્ડરિંગના ખુલાસાથી કેસ બદલાયો

વર્ષ ૨૦૧૧માં ભદ્રેશ ગોહિલ નાઇજીરિયાના પૂર્વ ગવર્નરના કરોડો પાઉન્ડના બ્લેક મનીને વ્હાઇટ કરવાના આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં પકડાયો અને તેને ૧૦ વર્ષની જેલ થઈ. બ્રિટિશ તપાસ એજન્સીઓએ ભદ્રેશની આશરે ₹૩૬૦ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી દીધી. આ ખુલાસા બાદ વર્ષા ગોહિલે ૨૦૧૫માં સુપ્રિમ કોર્ટના આદેશથી પોતાનો કેસ ફરી ખૂલાવ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, છૂટાછેડામાં છેતરપિંડી કરનાર વ્યક્તિને તેના ગુનાનો ફાયદો ન મળી શકે.

સરકારી એજન્સી સામે જીતી કાનૂની જંગ

બ્રિટનની સરકારી એજન્સી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)નું કહેવું હતું કે આ બધી સંપત્તિ ગુનાની કમાણી હોવાથી સરકારે જપ્ત કરવી જોઈએ. બીજી તરફ, વર્ષાએ દલીલ કરી કે આમાંની કેટલીક પ્રોપર્ટી લગ્ન જીવન દરમિયાન કાયદેસરની કમાણીથી ખરીદાયેલી છે, જેથી તેના પર પત્ની તરીકે તેમનો હક બને છે.

હાઈકોર્ટના જજ વિલિયમ્સે ભદ્રેશ ગોહિલને ‘પૂરી રીતે બેઈમાન’ ગણાવતા સરકારી એજન્સીની દલીલો ફગાવી દીધી હતી અને સાબિત થયેલી કાયદેસરની સંપત્તિમાંથી ₹85 કરોડ વર્ષા ગોહિલને સોંપવાનો આદેશ આપ્યો. બ્રિટનની એપેલેટ કોર્ટે પણ આગળ અપીલની મંજૂરી ન આપતા આ 23 વર્ષ જૂની લાંબી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે.

આ પણ વાંચો:BJP:તામિલનાડુમાં ભાજપનો સાથ છોડશે કે. અન્નામલાઈ, 5 જૂને નવી પાર્ટીની કરી શકે છે જાહેરાત!


  • Follow us on: