મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ખતમ કરવા માટે સતત રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ બંને દેશો પોતપોતાના વલણ પર અડગ છે. આ દરમિયાન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં મોટી કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ માટે જોખમ બનેલા ઈરાનના વધુ બે વન-વે એટેક ડ્રોનને તોડી પાડ્યા છે. અમેરિકાના આ પગલાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા પર નકારાત્મક અસર પડી શકે છે.


અમેરિકી સેના હાઈ એલર્ટ પર

CENTCOM એ સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીની સત્તાવાર માહિતી શેર કરી છે. અમેરિકી કમાન્ડે જણાવ્યું કે, આ ડ્રોન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગમાં કોમર્શિયલ જહાજો માટે મોટો ખતરો હતા. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે વિસ્તારમાં કોઈપણ ઈરાની આક્રમકતાનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગોની સુરક્ષા માટે અમેરિકી દળો સંપૂર્ણપણે તૈયાર અને હાઈ એલર્ટ પર છે. આ પહેલા શનિવારે પણ અમેરિકાએ ઈરાનના ચાર ડ્રોન તોડી પાડ્યા હતા અને ઈરાનની કોસ્ટલ રડાર સાઇટ્સ પર હુમલા કર્યા હતા.

વૈશ્વિક ઓઈલ માર્કેટ પર સંકટની આશંકા

હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જ્યાંથી દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઈલ પસાર થાય છે. અહીં થનારી કોઈપણ સૈન્ય હિલચાલ કે અથડામણની સીધી અસર વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈન અને તેલની કિંમતો પર પડી શકે છે, જેનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાનું જોખમ છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી તેહરાન પહોંચ્યા

દરમિયાન, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવને શાંત કરવા માટે પાકિસ્તાન મધ્યસ્થતાના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી શનિવારે ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં નકવીની આ ત્રીજી ઈરાન મુલાકાત છે. તેઓ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરીને પ્રાદેશિક સુરક્ષા અને તણાવ ઘટાડવાના ઉપાયો પર ચર્ચા કરશે.

આ પણ વાંચો:Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો


  • Follow us on: