યુદ્ધ એ ક્યારેય કોઈ પણ સમસ્યાનો અંત લાવીજ ન શકે કેમકે ઇતિહાસ સાક્ષી રહ્યો છે જ્યારે જ્યારે યુદ્ધ થયા છે જ્યારે જ્યારે બે રાષ્ટ્રો મેદાને જંગમાં જામ્યા છે ત્યારે માત્ર અને માત્ર ખુવારી થઈ છે , લોકોના મોત થયા છે , રાજકીય રોટલા શેકાયા છે અને અંતે દેશ વિકાસના રસ્તેથી ઉતરીને પાછળ પડી જાય છે.
પુતિનની નજર યુક્રેનના કિવ પર
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે અને આ તણાવનો શિકાર બંને દેશની જાહેર જનતા બની રહી છે. હાલ પુતિનની નજર બસ એકજ જગ્યાએ ચોંટેલી છે. રશિયાના આ માથાભારે લીડરને કોઈ પણ ભોગે યુક્રેનના કિવ પર રાશિયાનો કબજો મેળવવવો છે. પરંતુ રશિયાના લીડરની આ યુદ્ધ અને કબજો કરવાની મહત્વકાંક્ષા તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબજ મોંઘી પડશે કેમકે એક તરફ પુતિન યુક્રેનના કિવને કબજો કરવા માંગે છે અને બીજી તરફ રાશિયાનો એક મિત્ર દેશ ચૂપચાપ તેનાથી દૂર ચાલ્યો ગયો છે.
આર્મેનિયાનું રાશિયાથી વધ્યું અંતર
આંતરરાષ્ટ્રીય સ્તર પરના રાજકારણમાં કઈક એવી ખિચડી રંધાઈ રહી છે કે હાલ રાજકારણના મોટા મોટા વિવેચકો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. રશિયાનો એક જૂનો અને ખાસ સાથી જેને કહી શકાય એવો એક દેશ એટલે આર્મેનિયા. આખી દુનિયા જાણે છે કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ઘણા લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું પણ હવે અહિયાં આખી વાત માં એક નવો વળાંક આવ્યો છે, કેમકે હવે આ બંને દેશ શાંતિ માટે એકબીજા સાથે હાથ મિલાવવા જઈ રહ્યા છે.
જૂનો ઝઘડો સમાપ્ત થશે
આ આખે આખા પ્રકરણમાં એક રસપ્રદ વાત ઉડીને આંખે વળગે એવી છે. આ વખતે પહેલી વાર આ બને દુશ્મન દેશો એટલે કે આર્મેનિયા અને અઝરબૈજાન રશિયા વિના પહેલીવાર શાંતિ કરાર કરવા માટે સાથે આગળ વધવાના છે. આ બંને દેશોના નેતાઓ આ દાયકાઓ જૂના ઝઘડાને કાયમ માટે સમાપ્ત કરવા માટે અને શાંતિ સ્થાપવા માટે અબુ ધાબીમાં મળી રહ્યા છે.