વિશ્વ રાજનીતિમાં અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. આ સ્પર્ધા માત્ર વેપાર કે ટેક્નોલોજી સુધી સીમિત નથી, પરંતુ સુરક્ષા, સૈન્ય શક્તિ અને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પ્રભાવ સ્થાપિત કરવાની દોડ પણ છે. આ જ કારણ છે કે અમેરિકા હવે ભારત તરફ ગંભીર રીતે જોઈ રહ્યું છે.


2026માં એક મહત્વપૂર્ણ જાહેર સુનાવણી

US-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગ (USCC) ફેબ્રુઆરી 2026માં એક મહત્વપૂર્ણ જાહેર સુનાવણી યોજવાનું છે, જેમાં ખાસ કરીને ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સુનાવણી એ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા ભારતને ચીન સામેના વ્યૂહાત્મક સંતુલન માટે કેટલું મહત્વ આપે છે.

સુનાવણીમાં શું ચર્ચા થશે?

  • આ સુનાવણી દરમિયાન નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે:
  • ભારત અને ચીન વચ્ચેના સંબંધો, ખાસ કરીને સરહદી વિવાદો અને ગાલવાન ખીણ પછીની સ્થિતિ
  • ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન અને ભારતની ભૂમિકા
  • હિંદ મહાસાગરમાં દરિયાઈ પ્રવેશ અને નૌકાદળની વ્યૂહરચના
  • ભારત-અમેરિકા સુરક્ષા અને લશ્કરી સહકાર
  • આ ઉપરાંત, ભારત-ચીન સંબંધોના આર્થિક અને ટેક્નોલોજીકલ પાસાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.

ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન પર ફોકસ

સુનાવણીમાં ભારત કેવી રીતે ચીન પરની નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે તે પણ મહત્વનો મુદ્દો રહેશે. ખાસ કરીને AI, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન, આત્મનિર્ભર ભારત અભિયાન. અમેરિકા ઇચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં મજબૂત બને જેથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટાડી શકાય.

ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી કેમ મહત્વની છે?

છેલ્લા દાયકામાં અમેરિકા ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત સાથે સતત સંબંધો મજબૂત કરી રહ્યું છે. ભારતનું ભૂગોળીય સ્થાન, વિશાળ સૈન્ય શક્તિ અને વધતી આર્થિક ક્ષમતા તેને ચીન સામે એક કુદરતી સંતુલન બનાવે છે. અમેરિકા માટે ભારત માત્ર એક ભાગીદાર નથી, પરંતુ ચીનને એકલા કાઉન્ટર ન કરી શકવાની સ્થિતિમાં સૌથી વિશ્વસનીય સહયોગી છે.

સુનાવણીનો સમય કેમ મહત્વનો?

આ સુનાવણી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત ચીન સાથેના વેપાર સંબંધોને ધીમે ધીમે ફરી વિચારવાની સ્થિતિમાં છે. 2020ના ગાલવાન ખીણ અથડામણ બાદ ચાર વર્ષથી તણાવપૂર્ણ રહેલા સંબંધોમાં હવે ઉચ્ચ સ્તરીય મુલાકાતો બાદ થોડી નરમાશ જોવા મળી રહી છે. પરંતુ ભારત સ્પષ્ટ છે કે ચીનને આપવામાં આવતી કોઈ પણ છૂટછાટ બેઇજિંગના વ્યવહાર અને સરહદી સ્થિરતા પર આધારિત રહેશે.

USCC શું છે?

યુનાઇટેડ સ્ટેટ્સ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશન (USCC)ની સ્થાપના ઓક્ટોબર 2000માં કરવામાં આવી હતી. આ એક દ્વિપક્ષીય કોંગ્રેસનલ કમિશન છે, જે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોના રાષ્ટ્રીય સુરક્ષા પર પડતા અસરોની સમીક્ષા કરે છે.

અમેરિકા હવે ચીન સામેની લડાઈમાં એકલા

સપષ્ટ છે કે અમેરિકા હવે ચીન સામેની લડાઈમાં એકલા આગળ વધવા માંગતું નથી. ભારત તેની વ્યૂહાત્મક ક્ષમતા, આર્થિક શક્તિ અને ભૂગોળીય મહત્વના કારણે અમેરિકાની “ગેમ પ્લાન”નો કેન્દ્રબિંદુ બની ગયું છે. આવનારા વર્ષોમાં ભારત-અમેરિકા સંબંધો માત્ર મજબૂત નહીં થાય, પરંતુ વૈશ્વિક રાજનીતિની દિશા પણ નક્કી કરશે.

આ પણ વાંચો : America-ઈરાન તણાવ વચ્ચે ક્યુબા કેમ બન્યું ટ્રમ્પનું નવું ટાર્ગેટ?


  • Follow us on: