અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એક વખત વ્યૂહાત્મક હલચલ જોવા મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અદ્યતન લોકોમોટિવ, એટલે કે બુલેટ ટ્રેન ટેક્નોલોજી સાથે જોડાયેલા એન્જિન પૂરા પાડવાની તૈયારી દર્શાવી છે. આ ઓફર ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની અમેરિકા મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.


રેલ નેટવર્ક છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત

પાકિસ્તાનનું રેલ નેટવર્ક છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે. જૂના એન્જિન, ધીમી ગતિ અને ટેક્નિકલ ખામીઓના કારણે રેલ વ્યવસ્થા સતત ટીકા હેઠળ રહી છે. ટ્રમ્પની આ ઓફરથી પાકિસ્તાનને આધુનિક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધવાની તક મળી શકે છે, પરંતુ તેની સાથે ત્રણ શરતો પણ જોડાયેલી છે, જેને લઈને ચર્ચા તેજ બની છે.

પહેલી શરત

પ્રથમ શરત તરીકે ટ્રમ્પે એલોન મસ્કની કંપની સ્ટારલિંકને પાકિસ્તાનમાં ઝડપથી લાઇસન્સ આપવા જણાવ્યું છે. ખાસ કરીને દૂરદરાજ અને પછાત વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવા માટે સ્ટારલિંકને મંજૂરી આપવી પડશે. આ પગલું પાકિસ્તાનની ડિજિટલ કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ તેમાં અમેરિકન ટેક કંપનીનો મોટો પ્રભાવ પણ વધશે.

બીજી શરત

ટ્રમ્પની બીજી શરત પાકિસ્તાનની કર નીતિ સાથે સંકળાયેલી છે. તેમણે એમેઝોન, ગૂગલ અને નેટફ્લિક્સ જેવી અમેરિકન ડિજિટલ કંપનીઓ પર લાગુ કરવામાં આવતો લગભગ 5 ટકા ડિજિટલ સર્વિસ ટેક્સ દૂર કરવાની માંગ કરી છે. આ શરતનો હેતુ અમેરિકન કંપનીઓ માટે પાકિસ્તાનમાં વ્યવસાય વધુ સરળ અને નફાકારક બનાવવાનો છે.

ત્રીજી શરત

ત્રીજી અને સૌથી સંવેદનશીલ શરત બલુચિસ્તાન સાથે સંબંધિત છે. ટ્રમ્પે બલુચિસ્તાનમાં મળતા દુર્લભ પૃથ્વી ખનિજોના ખાણકામમાં અમેરિકાનો હિસ્સો વધારવાની માંગ કરી છે. એટલું જ નહીં, આ ખનિજોને અમેરિકાને વેચવા માટે વધુ અધિકારો આપવા પણ પાકિસ્તાન પર દબાણ મૂકવામાં આવ્યું છે. બલુચિસ્તાન પહેલેથી જ રાજકીય અસંતોષ અને સુરક્ષા સમસ્યાઓથી ઘેરાયેલું હોવાથી, આ શરત પાકિસ્તાન માટે આંતરિક પડકાર બની શકે છે.

આ પણ વાંચો : Bangladesh Hadi Shooting : હાદીના મોતના 2 શંકાસ્પદ લોકો ભારત ભાગ્યા, બાંગ્લાદેશ પોલીસે કર્યો મોટો દાવો


  • Follow us on: