બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સામે કથિત હત્યાઓ અને હિંસાના વિરોધમાં ઉઠેલો અવાજ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. શનિવારે લંડનમાં ભારતીય અને બાંગ્લાદેશી હિન્દુ સમુદાયે બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનો હેતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ તરફ વૈશ્વિક ધ્યાન ખેંચવાનો હતો.


 પાંચ સભ્યો બાંગ્લાદેશના સમર્થનમાં ત્યાં પહોંચ્યા

પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે ખાલિસ્તાન સમર્થક જૂથના લગભગ પાંચ સભ્યો બાંગ્લાદેશના સમર્થનમાં ત્યાં પહોંચ્યા. તેમણે સૂત્રોચ્ચાર કર્યા, પોતાના ધ્વજ લહેરાવ્યા અને હંગામો કર્યો, જેના કારણે બંને પક્ષો વચ્ચે તણાવ જોવા મળ્યો. સુરક્ષા વ્યવસ્થાએ સ્થિતિ કાબૂમાં રાખવા માટે સતર્કતા દાખવી.

 બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર શોનાર બાંગ્લા”

વિરોધ પ્રદર્શનમાં સામેલ હિન્દુ સમુદાયના લોકોએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર શોનાર બાંગ્લા” વગાડ્યું અને બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ સામે થતી હિંસા તાત્કાલિક બંધ કરવાની માંગ કરી. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.


બાંગ્લાદેશમાં કથિત અત્યાચારો

લંડનમાં થયેલું આ પ્રદર્શન બાંગ્લાદેશમાં કથિત અત્યાચારો સામે ભારતભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોના એક દિવસ બાદ થયું. પશ્ચિમ બંગાળ, આસામ સહિત અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બાંગ્લાદેશ સરકાર પાસેથી લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી વિરોધ પ્રદર્શન

અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મશાલ શોભાયાત્રા યોજી હતી. આ શોભાયાત્રામાં ભાજપ નેતા અનિતા મહતોએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી હિન્દુઓ એકજુટ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ અટકશે નહીં. બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવતા સળગાવી દેવાની ઘટનાઓ અત્યંત ગંભીર છે.” આ પહેલાં દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.

ભારત સરકારની કડક પ્રતિક્રિયા

આ સમગ્ર મામલે ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓ સામે વારંવાર થતી હિંસા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત મૈમનસિંહમાં એક હિન્દુ યુવાનની હત્યાની કડક નિંદા કરે છે અને અપેક્ષા રાખે છે કે દોષિતોને ઝડપી ન્યાય મળશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત લઘુમતીઓની સુરક્ષા અંગે બાંગ્લાદેશ સરકાર પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે.

આ પણ વાંચો : Russia: રશિયાએ કર્યો યુક્રેનના વધુ એક શહેર પર કર્યો કબજો, યુક્રેનિયન સેનાની ઘૂસણખોરી બની નિષ્ફળ


  • Follow us on: