2026 માટે અનેક એવી ભવિષ્યવાણી સામે આવી છે જેણે દરેક લોકોને ચોંકાવી દીધા છે. ત્યારે ઘાનામાંથી ઊભા થયેલા એક સ્વ-ઘોષિત પયગંબર એબો નોહ, જે સોશિયલ મીડિયા પર “એબો જીસસ” તરીકે ઓળખાય છે, છેલ્લા કેટલાક સમયથી પોતાની ભવિષ્યવાણીઓના કારણે ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને 25 ડિસેમ્બરના રોજ તેમણે આપેલી એક ચેતવણી બાદ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચી ગયો હતો.


એબોનો દાવો

એબો નોહે દાવો કર્યો હતો કે તેને ભગવાન તરફથી દૈવી સંદેશ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર સતત અને અતિશય વરસાદને કારણે એક વિનાશક વૈશ્વિક પૂર આવશે. તેના કહેવા મુજબ, આ પૂર માત્ર થોડા દિવસો કે મહિનાઓ માટે નહીં, પરંતુ વર્ષો સુધી ચાલશે અને માનવ સંસ્કૃતિ, ખેતી, શહેરો અને કુદરતી સંસાધનોને ગંભીર નુકસાન પહોંચાડશે.

‘આધુનિક યુગનો પ્રલય’નો દાવો

વાયરલ થયેલા વીડિયોમાં એબો નોહ કહે છે કે આવનારો વરસાદ સામાન્ય કુદરતી આપત્તિ નહીં હોય, પરંતુ આધુનિક યુગના પ્રલય સમાન હશે. તેણે આ સ્થિતિને માનવ ઇતિહાસ માટે સૌથી મોટો વિનાશ ગણાવ્યો અને ચેતવણી આપી કે જો સમયસર તૈયારી નહીં કરવામાં આવે તો માનવ જીવન માટે મોટી મુશ્કેલી આવી શકે છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી આવી. ઘણા યુઝર્સે આ દાવાઓને ભ્રામક અને ભય ફેલાવનારા ગણાવ્યા. કેટલાક લોકોએ બાઇબલના ઉત્પત્તિ ગ્રંથ (પ્રકરણ 9)નો ઉલ્લેખ કરીને કહ્યું કે ભગવાને વચન આપ્યું છે કે પૃથ્વી પર ફરીથી વૈશ્વિક પૂર નહીં આવે. આ કારણે એબો નોહની ભવિષ્યવાણી પર મોટી સંખ્યામાં લોકોએ શંકા વ્યક્ત કરી.

હોડી બનાવવાનો ‘દૈવી આદેશ’

વિવાદ વચ્ચે એબો નોહે એક બીજો વીડિયો શેર કર્યો, જેમાં તેમણે દાવો કર્યો કે ભગવાને તેને મોટી હોડીઓ બનાવવાનો આદેશ આપ્યો છે. તેના અનુસાર, આવનારી આફત દરમિયાન આ હોડીઓ લોકો માટે સલામત આશ્રયસ્થાન બનશે. એબોએ કહ્યું હતું કે તેને કુલ 8 હોડીઓ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. વીડિયોમાં તે લાકડાના વિશાળ જહાજના નિર્માણનું નિરીક્ષણ કરતો પણ જોવા મળે છે.

એબો નોહ કોણ છે?

એબો નોહ ઘાનાનો એક સ્વ-ઘોષિત પયગંબર છે, જેના સોશિયલ મીડિયા પર 40,000થી વધુ ફોલોઅર્સ છે. તે સામાન્ય રીતે કોથળા જેવા કપડાં પહેરેલો દેખાય છે અને પોતાને ભગવાનનો સંદેશવાહક ગણાવે છે. તેણે શરૂઆતમાં દાવો કર્યો હતો કે વૈશ્વિક આપત્તિ 25 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ થશે. ઓગસ્ટ 2025માં યુટ્યુબ પર અપલોડ કરેલા એક વીડિયોમાં તેમણે આ જ ભવિષ્યવાણીનું પુનરાવર્તન પણ કર્યું હતું.

સમયમર્યાદામાં ફેરફાર

જોકે, બાદમાં ફરીથી પોસ્ટ કરેલા એક વીડિયોમાં એબો નોહે પોતાના અગાઉના દાવામાં ફેરફાર કર્યો. અહેવાલ મુજબ, તેણે કહ્યું કે ભગવાને હવે વધુ સમય આપ્યો છે. વીડિયોમાં તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું, “આ ફેરફાર મારા તરફથી નથી. ભગવાને અમને હોડી બનાવવા માટે વધુ સમય આપ્યો છે.”

નિષ્ણાતોની ચેતવણી

નિષ્ણાતો અને અનેક સોશિયલ મીડિયા વપરાશકર્તાઓનું માનવું છે કે કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા વિના આવી આગાહીઓ કરવી સમાજ માટે હાનિકારક બની શકે છે. આવી ભવિષ્યવાણીઓ લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવે છે. હાલ એબો નોહની ભવિષ્યવાણી અંગે ચર્ચા ચાલુ છે—કેટલાક લોકો તેને શ્રદ્ધાથી જુએ છે, જ્યારે મોટા ભાગના લોકો તેને અફવા અને પ્રચાર તરીકે ગણાવે છે.

આ પણ વાંચો : Chinaના નામે વધુ બે વર્લ્ડ રેકોર્ડ, શિનજિયાંગમાં બનાવી દુનિયાની સૌથી લાંબી ટનલ


  • Follow us on: