- પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોનું જીવવાનું હરામ કર્યું
- પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્યપદાર્થો સુધીની દરેક વસ્તુના ભાવ આસમાને
- LPG ઘરેલુ સિલિન્ડરની કિંમત હવે 2833.49 રૂપિયા થઈ
પાકિસ્તાનમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્યપદાર્થો સુધીની દરેક વસ્તુના ભાવ આસમાને છે. પડોશી દેશમાં વધી રહેલા વીજળી બિલને લઈને વિરોધ વચ્ચે 31 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના એક દિવસ બાદ એટલે કે 1 સપ્ટેમ્બરે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ રીતે બે દિવસમાં મોંઘવારીનો બેવડો માર લોકો પર પડ્યો છે.
અહેવાલ મુજબ, મોંઘવારીનો ભોગ બનેલી ગરીબ જનતાને શુક્રવારે કાર્યવાહક સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના ભાવમાં સરકાર તરફથી પ્રતિ કિલો રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે. કિંમતોમાં વધારા બાદ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 240 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પાકિસ્તાનના લોકો માટે આટલા મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે.
પાડોશી દેશમાં સિલિન્ડરની કિંમત શું છે?
પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 11.8 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત વધીને 459.85 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે LPG ઘરેલુ સિલિન્ડરની કિંમત હવે 2833.49 રૂપિયા છે. આ પહેલા ઓગ્રાએ ઓગસ્ટ મહિનામાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 23 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો હતો. આ રીતે એક મહિનામાં ફરી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
એવું લાગી રહ્યું છે કે સરકારે ગરીબ લોકોની મુશ્કેલીઓ વધારવાનું મન બનાવી લીધું છે. ગરીબીથી પીડિત લોકોને શુક્રવારથી જ વધતા ભાવે પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડી રહ્યું છે. પાડોશી દેશમાં પેટ્રોલના ભાવમાં 14.91 રૂપિયા અને ડીઝલના ભાવમાં 18.44 રૂપિયાનો વધારો થયો છે. આ રીતે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 311.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
પાકિસ્તાનમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ 300 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. લોકોની સમસ્યા એ રીતે સમજી શકાય છે કે મોંઘવારી ઘટવાનું નામ નથી લઈ રહી. હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી દર 27.4 ટકા છે. બેરોજગારીના કારણે સમસ્યાઓ વધુ વધી રહી છે. ઘણા શહેરોમાં ધંધાઓ પણ બંધ થવા લાગ્યા છે.