સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં..
અમદાવાદ પોલીસ જો ગુલ્લી મારશો તો ગુગલ લોકેશનથી ઝડપાઈ જશો, નોકરી કરવી ફરજિયાત રહેશે
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટૂંક સમયમાં એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી શકે છે, જેમાં પોલીસ કર્મીએ હાજરી પૂરવાની રહેશે તેવી વાત સૂત્રો તરફથી મળી છે, જેમાં પોલીસને ટ્રાફિક પોઈન્ટ અથવા પોલીસ સ્ટેશનમાં નોકરી હશે તો તેમાં ઓનલાઈન હાજરી પૂરવાની રહેશે અને તે પંચ સીધુ એપ્લિકેશનમાં દેખાશે અને તેમાં ગુગલનું લોકેશન પણ દેખાશે, જે લોકો નોકરીમાં ગુલ્લી મારતા હતા તે લોકોને થોડું અઘરૂ પડશે પણ જે લોકો કામ કરતા લોકો છે અને ફરજ બજાવે છે તેને કોઈ ફરક પડશે નહી, ટૂંક સમયમાં આ એપ્લિકેશન લોન્ચ થાય તેવી વાત સામે આવી છે, એટલે ગુલ્લી મારવાનું થશે બંધ અને કામ કરવાનું રહેશે.
પૂર્વ વિસ્તારમાં ચાર્જમાં પોલીસ સ્ટેશન ચલાવી રહેલા એક PIને કેમ PSI હોવા છત્તા ડી-સ્ટાફનો હવાલો ASIને સોંપવો પડયો !
અમદાવાદ શહેરમાં હાલમાં 4 પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈમાં ચાલી રહ્યાં છે, ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ અને ગાંધીનગરથી નજીક આવેલ એક પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની મહેકમ છે તેમ છત્તા પીઆઈએ ડી-સ્ટાફનો ચાર્જ એક એએસઆઈને સોંપ્યો છે, પોલીસબેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ પીઆઈને તેમના PSI પર વિશ્વાસ ન હોવાથી ચાર્જ એએસઆઈને સોંપવામાં આવ્યો છે, ત્યારે પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબને ખોટું ના લાગે જેથી તેમને જ ચાર્જ સોંપો તો સારૂ રહેશે, અને વિસ્તારમાં પીએસઆઈ શું કરે છે તેમની ખબર તો તમારા સુધી આવતી જ હોય, માટે એએસઆઈ જોડેથી જલદીથી ચાર્જ લઈ લો તો સારૂ છે.
અમદાવાદનો રિવરફ્રન્ટ અને સિંધુભવન બન્યો રેસિંગ ટ્રેક !
અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ધોળા દિવસે કાર ચાલકે પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો અને લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ હતુ. રીવરફ્રન્ટ પર એક કારના ચાલકે થાર કારમાં સ્ટંટ કર્યો હતો અને ધૂળની ડમરી ઉડાવી લોકોનું ધ્યાન તેની તરફ કર્યુ હતુ, બ્લેક કાર અને બ્લેક કાચના કારણે અંદર કોણ સ્ટંટ કરી રહ્યું હતુ તેની માહિતી નથી, પણ પોલીસ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરે છે ત્યારે આ સમયે પોલીસનું પેટ્રોલિંગ ન હતું તેને લઈ પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે કે, રીવરફ્રન્ટ પર સ્ટંટ કરવો એ લોકો માટે સામાન્ય બાબત બની ગઈ છે, લોકોને પણ ખબર છે કે, રીવરફ્રન્ટ હોવાથી પોલીસ બહુ આવતી નથી, તો બીજી તરફ શહેરનો પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર પણ અવાર-નવાર સ્ટંટો લોકો કરતા હોય છે, ત્યારે જે જગ્યા પર સૌથી વધારે સ્ટંટ કરવામાં આવે છે તેવા સ્થળ નક્કી કરીને પોલીસનો એક પોઈન્ટ મૂકવો જરૂરી બન્યો છે.
ટ્રાફિકના પોલીસ સ્ટેશનમાં વધુ પોલીસનું મહેકમ ફળવાશે તેવી ચર્ચાએ જોર પકડયું
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે, ત્યારે ટ્રાફિકને લઈ અલગ-અલગ શિફટમાં પોલીસ કર્મીઓ પોઈન્ટ પર ફરજ બજાવતા હોય છે, ત્યારે એક વાત એવી પણ સૂત્રો તરફથી સામે આવી રહી છે કે, આગામી દિવસોમાં ટ્રાફિકને વધુ કેમ કંટ્રોલમાં લઈ શકાય અને ટ્રાફિક સમસ્યા ઓછી થાય તેને માટે ટ્રાફિકના પોલીસ સ્ટેશનમાં વધુ મહેકમ ફાળવી શકાય છે અને ટ્રાફિક વિભાગમાં ઘણા લોકોની બદલી પણ આવી શકે છે, પણ આ વાત સૂત્રો તરફથી છે અમે નથી કહેતા કે, બદલી આવશે જ પણ એક ચર્ચા છે કે, ટ્રાફિકને પહોંચી વળવા માટે હજી પણ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્ટાફનું વધુ મહેકમ મળી શકે તેમ છે.
અમદાવાદની સુરક્ષા માટે સજજ શહેર પોલીસ
26 ડિસેમ્બરના રોજ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે જાતેથી શહેરમાં ભદ્રકાળી લાલદરવાજા, અખબારનગર સર્કલ , વાડજ સર્કલની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સ્થાનિક અને ટ્રાફિકના પોલીસ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી અને નિવારાત્મક પગલાં અંગે ચર્ચા કરી હતી, શહેરમાં ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય તેને લઈ અધિકારીઓ સાથે તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો : Botad News : બોટાદ નગરપાલિકા દ્વારા વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ, ઉતાવળી નદી અને મધુમતી નદીની સફાઈ કામગીરી શરૂ