ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો વીડિયો કચ્છના આદિપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક દુકાનમાં જાણે કરિયાણું કે માવો વેચાતો હોય તેમ અત્યંત બેધડક રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હારબંધ ગોઠવાયેલી દારૂની બોટલો અને ગ્રાહકોની અવરજવર જોઈને એવું લાગે છે કે બુટલેગરોને પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગાંધીના ગુજરાતમાં નશાનો વેપાર
આદિપુરના રહેણાંક કે વ્યાપારી વિસ્તારમાં આ પ્રકારે ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણે સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાવ્યું છે. વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું પોલીસની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે? ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કડક અમલ કરવાની વાતો થાય છે, ત્યાં કચ્છના આ દ્રશ્યોએ તંત્રની પોલ ખોલી નાખી છે. હાલમાં આ વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.













