ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી.
અધિકારી ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો
મળતી વિગતો પ્રમાણે લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસે ૨૧ લાખ માંગ્યા બાદ ૧૫ લાખમાં સમાધાન થયું હતું. જે પૈકી પહેલા હપ્તાના ૪ લાખ લેવા ગણેશવાલાએ પોતાના ટાઉટ કહો કે ખાસ માણસ મહમંદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણને મોકલ્યો હતો. વર્ષોથી ટાઉટગીરી કરતા પરવાનાએ બિલ્ડરને પોતાની ઓફિસમાં નાણાં લઈ બોલાવ્યો હતો. જોકે, ભેજાબાજ પરવાનાને ભનક આવી જતા તે લાંચના ૪ લાખ લઈ નવ દૌ ગ્યારહ થઈ ગયો હતો. બીજી તરફ પોતાના પાપનો થડો ફૂટી જતા ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.













