સુરત સિટી હવે ક્રાઈમ હબ બની રહ્યું છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો બેફામ બની ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ આરોપીઓ સામે પીડિતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પણ આરોપીઓએ યુવકને માર મારી અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પૂણામાં એક યુવક દ્વારા જૂની અદાવતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે કારણે આ ગુનાના આરોપીઓ દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માર માર્યા બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જાહેરમાં આ પ્રકારની ગુનાખોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આવામાં લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર યુવકે ફરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.













