ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકી પર વલસાડ રેલવે પોલીસ (GRP) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.


ઊંઘતી પેસેન્જરનો સામાન ચોરી ફરાર થયા હતા તસ્કરો

ઘટનાની વિગત અનુસાર, એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર જ્યારે રાત્રિના સમયે નિદ્રાધીન હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમનો સામાન સાફ કરી દીધો હતો. તસ્કરો પેસેન્જરના ૨ મોબાઈલ ફોન અને એક લેડીઝ પર્સ લઈને નાસી છૂટ્યા હતા. મુસાફર જાગતા ચોરી થઈ હોવાની જાણ થતા તુરંત રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વલસાડ GRP એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વલસાડ રેલવે પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ ટ્રેનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

રૂ. 49,850 નો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા તસ્કરો પાસેથી ચોરી કરવામાં આવેલા ૨ નંગ મોબાઈલ ફોન અને લેડીઝ પર્સ સહિત કુલ રૂ. 49,850/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓ અગાઉ અન્ય કોઈ ટ્રેન ચોરીની ઘટનામાં સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.


આ પણ વાંચો - Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી


  • Follow us on: