પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ગુનાખોરી ડામવામાં એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. સમી તાલુકાના કોડધા ગામે આવેલા મંદિરમાં તાજેતરમાં જ થયેલી ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતી એક શાતિર ગેંગને પોલીસે દબોચી લીધી છે.


મહિલા અને સગીર સહિત 6 સાગરીતો પોલીસ સકંજામાં

કોડધા ગામમાં થયેલી મંદિર ચોરીની કડીઓ મેળવીને પાટણ LCB પોલીસે સઘન તપાસ આદરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આખી ગેંગને ઘેરી લીધી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે મંદિર ચોરી કરતી ટોળકીના મહિલા અને એક સગીર વયના કિશોર સહિત કુલ 6 સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી પંથકના રહિશોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

રૂ. 84 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા અને ચોરી કરેલા સાધનો સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં ચોરીના રોકડા રૂપિયા 49,000/-, ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન અને મોટરસાઈકલ (બાઈક) મળીને કુલ રૂપિયા 84,000/- નો મુદ્દામાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને કબ્જે લીધો છે.

અનેક ગામના મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પકડાયેલી ગેંગ માત્ર એક જ નહીં, પરંતુ પંથકના અનેક મંદિરોમાં હાથફેરો કરી ચુકી છે. આરોપીઓએ સમી, દાદર, રાફુ અને ખાખલ ગામના વિવિધ મંદિરોને નિશાન બનાવી ત્યાં ચોરી કરી હોવાની ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. આ ગેંગ પકડાતા આસપાસના વિસ્તારના અન્ય ચોરીના ગુનાઓ ઉકેલાવવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

ચોરીનો માલ ખરીદનાર ઊંઝાનો સોની પણ જેલભેગો

આ ગેંગ મંદિરોમાંથી ભગવાનના જે ચાંદીના દાગીના અને છત્ર વગેરેની ચોરી કરતી હતી, તેને ઓગાળીને કે વેચીને રોકડી કરતી હતી. પોલીસે આ મામલે આગળ તપાસ ધપાવીને ચોરીનો ચાંદીનો મુદ્દામાલ રાખનાર (ખરીદનાર) ઊંઝાના એક સોની વેપારીને પણ શોધી કાઢ્યો છે. ગુનાહિત સોદાબાજીમાં સામેલ આ સોની વેપારીને પણ પોલીસે કાયદાના સકંજામાં લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


આ પણ વાંચો - Patan News: સમી પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ


  • Follow us on: