ભારતીય સિનેમામાં ત્રણ દાયકાથી ફેમસ અભિનેત્રી રાની મુખર્જી ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં છે. તેમની કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ થયા છે, જેના સંદર્ભમાં આવનારી ફિલ્મ મર્દાની 3 પર ફિલ્મ જગતનું ધ્યાન કેન્દ્રિત થયું છે. અભિનેતા રણબીર કપૂરે આ અવસરે રાની મુખર્જી વિશે પોતાના અનુભવો અને વિચારો જાહેર કર્યા છે.
રણબીર કપૂરનું શું કહેવું છે?
રણબીર કપૂરે જણાવ્યું કે રાની મુખર્જી તેમની પહેલી ફિલ્મ સાંવરિયામાં કો-સ્ટાર હતા. તેમના કહેવા મુજબ, કારકિર્દીના શરૂઆતના સમયગાળામાં રાની તરફથી મળેલી હિંમત અને માર્ગદર્શન તેમને આજે પણ યાદ છે. તેમણે કહ્યું કે તે સમયે મળેલા શબ્દોએ તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો હતો. રણબીરના જણાવ્યા પ્રમાણે, રાની મુખર્જીને તેઓ માત્ર અભિનેત્રી તરીકે નહીં પરંતુ એક સારી વ્યક્તિ પણ છે. તેમના મતે, રાનીના કામ, તેમની પસંદગીઓ અને સ્ક્રીન પરના પાત્રોએ સમય સાથે મહિલાઓને દર્શાવવાનો અભિગમ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મર્દાની ફિલ્મનો પાર્ટ 3
મર્દાની ફિલ્મ શ્રેણી અંગે વાત કરીએ તો, આ ફ્રેન્ચાઇઝી શરૂઆતથી જ ગંભીર અને સંવેદનશીલ સામાજિક મુદ્દાઓને ઉઠાવતી રહી છે. મર્દાનીમાં માનવ તસ્કરી જેવા ગંભીર વિષયને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે મર્દાની 2માં સમાજ અને વ્યવસ્થાને પડકાર આપતા અપરાધી માનસિકતાની વાત કરવામાં આવી હતી. હવે મર્દાની 3માં દેશમાં ઓછા આવકવર્ગની 8 થી 9 વર્ષની બાળકીના અપહરણ જેવા ગંભીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફિલ્મ દ્વારા આવા અપરાધોની પાછળ રહેલી હકીકતો અને સમાજની અંધારી બાજુને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મનું દિગ્દર્શન
આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મિનાવાલાએ કર્યું છે અને નિર્માણ આદિત્ય ચોપરાએ સંભાળ્યું છે. અગાઉની ફિલ્મોની જેમ, આ ભાગમાં પણ કથાવસ્તુ સમાજ સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું જણાય છે. એટલે રાની મુખર્જીની કારકિર્દી, તેમની ફિલ્મોની પસંદગી અને મર્દાની શ્રેણી દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓને લઇને ફિલ્મ જગતમાં ચર્ચા ચાલી રહી છે. રાનીના ત્રણ દાયકાના સફરને આ ફિલ્મ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જે ભારતીય સિનેમાના એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચો : Live શો દરમિયાન આ અભિનેત્રી સાથે દુર્વ્યવહાર, પોલીસ ફરિયાદ નોંધાઈ