બંગાળની જાણીતી અભિનેત્રી અને પૂર્વ TMC સાંસદ મીમી ચક્રવર્તીએ ઉત્તર 24 પરગણાના બોનગાંવ શહેરમાં આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પોતાના સાથે દુર્વ્યવહાર થયાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટનાને લઈને તેમણે બોનગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે FIR દાખલ કરી તપાસ શરૂ કરી છે.


ઘટના ક્યારે બની હતી

આ ઘટના રવિવારે બોનગાંવના નયાગ્રામ વિસ્તારમાં યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બની હતી. મીમી ચક્રવર્તી સ્ટેજ પર પોતાની રજૂઆત કરી રહી હતી, ત્યારે આયોજકોમાંના એક તન્મય શાસ્ત્રી અચાનક સ્ટેજ પર ચઢી આવ્યા હતા. મીમીના જણાવ્યા અનુસાર, તન્મય શાસ્ત્રીએ તેમની પરફોર્મન્સ બળજબરીથી અટકાવી અને મધ્યરાત્રિ બાદ તરત જ સ્ટેજ છોડવાનો આદેશ આપ્યો હતો.

મીમી ચક્રવર્તીનો આરોપ

મીમી ચક્રવર્તીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટનાથી તેમને જાહેરમાં ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. એક મહિલા અને કલાકાર તરીકે તેમની સાથે થયેલા આ વર્તનથી તેઓ ખૂબ જ દુઃખી થયા હતા. તેમણે બોનગાંવ પોલીસને ઇમેઇલ દ્વારા લેખિત ફરિયાદ મોકલી હતી અને આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. મીમીના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આયોજકોના વર્તનની કડક નિંદા કરી છે.

આયોજકોનો બચાવ શું છે?

બીજી તરફ, કાર્યક્રમના આયોજકો યુવક સંઘ ક્લબે મીમી ચક્રવર્તીના તમામ આરોપોને ફગાવી દીધા છે. આયોજકોનું કહેવું છે કે મીમી કાર્યક્રમમાં લગભગ એક કલાકથી વધુ મોડી પહોંચી હતી. તેમનો દાવો છે કે પોલીસ દ્વારા કાર્યક્રમ માટે પરવાનગી માત્ર રાત્રે 12 વાગ્યા સુધી જ આપવામાં આવી હતી.

કાર્યક્રમ સમયસર પૂર્ણ કરવો ફરિજયાત

આયોજક તન્મય શાસ્ત્રીએ કહ્યું કે વિસ્તારમાં વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓને કારણે કાર્યક્રમ સમયસર પૂર્ણ કરવો ફરજિયાત હતો. જો કાર્યક્રમ મધ્યરાત્રિ પછી પણ ચાલુ રાખવામાં આવ્યો હોત, તો પોલીસ કાર્યવાહી થવાની શક્યતા હતી. તન્મય શાસ્ત્રીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મીમીના બોડીગાર્ડ્સે મહિલા ક્લબ સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું, જ્યારે તેઓ સ્ટેજ પર મીમીનું સ્વાગત કરવા ગયા હતા.

આયોજકોની માફી

આયોજકોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જો કોઈ ગેરસમજના કારણે મીમી ચક્રવર્તીને દુઃખ પહોંચ્યું હોય, તો તેઓ દિલથી માફી માંગે છે. તેમનો દાવો છે કે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનો તેમનો ઇરાદો ન હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ મામલે FIR નોંધાઈ ગઈ છે અને તમામ પક્ષોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે. આ કેસમાં સત્ય શું છે તે તપાસ પછી જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : મુંબઈ મેટ્રોમાં સ્ટંટ પડ્યો મોંઘો, Varun Dhawanને વહીવટીતંત્રની ચેતવણી


  • Follow us on: