ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, ખેડૂતનું અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક શાતિર ગેંગના ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા સહિત ટોળકીના મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે.
સંગીતા નામની મહિલાએ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવ્યો
મળતી વિગતો મુજબ, સંગીતા નામની મહિલાએ એક ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઇમરાન અને તેની માતા હસીનાબેન ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક રૂમમાં બંધ કરી દીધા હતા.
ક્રેટા કાર પડાવી
આરોપીઓએ ખેડૂત પાસેથી તુરંત જ 4,000 રોકડા પડાવી લીધા હતા અને વધુ 5 લાખની ખંડણી માંગી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ ન હોવાથી આરોપીઓએ તેમની₹4 લાખની કિંમતી ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી હતી.
કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી
આટલેથી ન અટકતા, આ ટોળકીએ દશરથ નામના અન્ય એક આરોપીને બોલાવ્યો હતો. આ ચારેય જણાએ ખેડૂતનું તેમની જ ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં ધમકાવીને કેટલાક કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પીઆઈ જે.આર. ઝાલા અને તેમની ટીમે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસ તપાસ શરુ
પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, સીએનજી રીક્ષા, એક્ટીવા, 5 મોબાઈલ ફોન, છરી, રોકડા રૂપિયા અને લખાણના કાગળો સહિત કુલ 5,51,050/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ ગેંગનો ભોગ બન્યા હોય, તો તેઓ નીડર થઈને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના