જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલા સ્થાનિક જમાતખાનામાં એક મહત્વની મીટિંગ ચાલી રહી હતી, તે દરમિયાન જૂના હિસાબ-કિતાબની બાબતને લઈને અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મીટિંગમાં હાજર કેટલાક ઉશ્કેરાયેલા શખ્સોના ટોળાએ અચાનક ત્યાં હાજર સમાજના આગેવાનો પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


 જમાતખાનાની ઓફિસમાં તોડફોડ પણ કરી

મળતી માહિતી અનુસાર, આ હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ જમાતખાનાની ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. આટલું જ નહીં, ત્યાં હાજર ફારુક હકીમ નામના એક વ્યક્તિ પર હુમલો કરીને તેમની પાસેથી રૂપિયા દસ હજાર ની રોકડ રકમની પણ લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હુમલો કરનાર ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં હાજર આગેવાનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે મીટિંગમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

CCTV આવ્યા સામે

જમાતખાનામાં બનેલી આ સમગ્ર ઘટનાની લાઈવ કડીઓ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં શખ્સો આગેવાનો સાથે ઝપાઝપી અને તોડફોડ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

યુસુફ ચાંદે માંગરોળ પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી

આ ગંભીર મામલે ભોગ બનનાર પક્ષ તરફથી ફરિયાદી યુસુફ ચાંદે માંગરોળ પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટ, મારામારી, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોર શખ્સોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવાની ચક્રો ગતિમાન કર્યા છે. જૂના હિસાબોના કારણે બનેલી આ ઘટનાને પગલે માંગરોળમાં સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

  • Follow us on: