અમદાવાદના નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નારોલ-અસલાલી હાઇવે પર આવેલી જીઈબી ઓફિસ પાસે એક એક્ટિવા પર ત્રણ વ્યક્તિઓ સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, રોડની બાજુમાં પાર્ક કરેલી એક ડાક પાર્સલ ગાડી પાછળ પૂરપાટ ઝડપે આવતું એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું.


એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક્ટિવા પર સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આરોપ

સ્થાનિક લોકો અને ત્યાં હાજર રહેલા રાહદારીઓના જણાવ્યા અનુસાર, એક્ટિવા પર સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનું જણાઈ રહ્યું હતું. નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે જ આ અકસ્માત થયો હોવાની પ્રબળ શક્યતા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

પોલીસે તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકનો મૃતદેહ પીએમ માટે મોકલી આપીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરી હતી.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

  • Follow us on: