દેશમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદને સૌથી વધુ સ્વચ્છતા ધરાવતા શહેરોમાં પ્રથમ સ્થાન મળ્યું છે. શહેરમાં મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા, પાન માવા ખાઈને થૂંકતા અને પ્લાસ્ટિકના વપરાશ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આજે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સપાટો બોલાવી દેવાયો છે. વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં ગંદકી કરનાર અને પ્લાસ્ટિકનો વપરાશ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
22 કિલો જેટલા પ્લાસ્ટિકનો જથ્થો સીઝ
મહાનગર પાલિકા દ્વારા એક જ દિવસમાં ગંદકી અને પ્લાસ્ટિકનો વપરાશ કરનારાઓની 30 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. AMCની ટીમ દ્વારા સફાઈને લગતી 726 નોટીસ અને પ્લાસ્ટિક સામે અમલવારીની 369 સહિત કૂલ 1095 નોટીસો આપવામાં આવી હતી. આ નોટીસો આપીને કૂલ 4.80 લાખ જેટલો દંડ વસૂલાયો હતો. જ્યારે 22 કિલો જેટલા પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.













