અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ક્રેશ સાઇટ પર ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. આ કાળજું કંપાવનારી ઘટનાની પ્રથમ વરસીએ જ આજે સવારથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ બ્રિટિશ હાઈ કમિશનના ઉચ્ચ અધિકારીઓ પણ આજે ક્રેશ સાઇટની મુલાકાત લેવાના હોવાથી આખો મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
બરાબર એક વર્ષ પહેલાં એર ઇન્ડિયાનું વિમાન લંડન જવા માટે રવાના થયું હતું અને ટેક-ઓફની ગણતરીની સેકન્ડોમાં જ તૂટી પડ્યું હતું, જેમાં 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો
બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓની આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી અને તેમાં ઘણા બ્રિટિશ નાગરિકો તેમજ એનઆરઆઈ સાફરો પણ સામેલ હતા. વિદેશી પ્રતિનિધિઓની મુલાકાતને પગલે ઘટનાસ્થળ અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તપાસ હાલ પણ યથાવત
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભયાનક હોનારતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં સમગ્ર ઘટનાની તપાસ હાલ પણ યથાવત અને ચાલુ સ્થિતિમાં છે. BDDS ટીમ દ્વારા ક્રેશ સાઇટના કાટમાળ અને બિલ્ડિંગની આસપાસ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ નવો પુરાવો કે કડી મળી શકે.
ફાઇનલ તપાસ રિપોર્ટની ભીની આંખે રાહ
એક તરફ પીડિત પરિવારો હજુ પણ સાચા ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની ભીની આંખે રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે વરસીના દિવસે એજન્સીઓની આ દોડધામથી આખી દુર્ઘટનાના રહસ્યો પરથી પડદો ઊંચકાશે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી