સમગ્ર દેશને હચમચાવી દેનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર 260 દિવંગત આત્માઓને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે પીડિત પરિવારો અને નાગરિકોની આંખો ભીની થઈ ગઈ હતી.
બી.જે. મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા
દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજ ખાતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વ્હાલસોયાઓને યાદ કરી આંખો ભીની
આ દુર્ઘટનામાં 15 વર્ષીય આકાશ પટણીનું અવસાન થયું હતું, જે તે સમયે પોતાની માતાને ટિફિન આપવા માટે ઘટનાસ્થળ પર હાજર હતો. આજે પરિવારજનોએ આકાશને યાદ કરીને ગમગીન વાતાવરણમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
વિદેશી પરિવારે પણ ક્રેશ સાઈટની મુલાકાત લીધી
આ ઉપરાંત, એક વિદેશી પરિવારે પણ ક્રેશ સાઈટની મુલાકાત લીધી હતી. તેઓ પોતાના દીકરાનો ફોટો અને ડાયરી સાથે લાવ્યા હતા, જે જોઈને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
તપાસ એજન્સીઓ પર વિશ્વાસ
આ દુર્ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રુપાણીનાપુત્ર ઋષભ રૂપાણીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ એક અત્યંત દુઃખદ ઘટના છે. તપાસ એજન્સીઓ પર અમને પૂરો વિશ્વાસ છે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે, તેના આધારે સત્ય બહાર આવશે."
મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલી અર્પી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. આખું શહેર આજે પણ તે કાળા દિવસને યાદ કરીને શોક વ્યક્ત કરી રહ્યું છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના