અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ પીડિત પરિવારોની આંખોના આંસુ હજુ સુકાયા નથી અને ન્યાયની આશા હજુ અધૂરી છે. હોસ્ટેલ મેસ પર પ્લેન તૂટી પડવાની એ કાળઝાળ ઘટનાને યાદ કરીને આજે પણ બી.જે. મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સ અને મૃતકોના સ્વજનો ધ્રૂજી ઊઠે છે. એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ અકસ્માત પાછળનું સાચું કારણ બહાર ન આવતા સરકાર સામે સવાલો ઊભા થયા છે.


"મારો ભાઈ ડોક્ટર ન બની શક્યો, હવે હું બનીશ"

આ અકસ્માતમાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 4 હોનહાર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં રાજસ્થાનના બાડમેરથી મેડિકલ ભણવા આવેલા જયપ્રકાશ ચૌધરી પણ સામેલ હતા. મેસમાં જમતી વખતે જ કાળમુખું વિમાન તેમના પર તૂટી પડ્યું હતું. જયપ્રકાશના ભાઈ હનુમાનરામ ચૌધરી અને પ્રતાપ ચૌધરીએ ભારે હૈયે જણાવ્યું કે, "અમારા ઘરની સ્થિતિ અત્યંત દયનીય છે. ભાઈની ઈચ્છા ડોક્ટર બનવાની હતી જે અધૂરી રહી ગઈ, હવે હું ડોક્ટર બનીને તેનું સપનું પૂરું કરીશ. પણ અમારી માંગ છે કે એક વર્ષ પછી પણ તપાસ રિપોર્ટ કેમ જાહેર નથી થયો? સરકાર હકીકત બહાર લાવે અને અમને ન્યાય આપે."

રેસિડન્ટ ડોક્ટર્સની જુબાની: આંખો બંધ કરતા જ લાશો દેખાય છે

ઘટના સમયે રાહત કામગીરીમાં જોડાયેલા ડો. કેયુર પ્રજાપતિ અને અતુલ્યમ ફ્લેટમાં હાજર ડો. આનંદે જણાવ્યું કે, એ અવાજ એટલો ભયાનક હતો કે બારી-બેડ બધું ધ્રૂજી ગયું હતું. આ અકસ્માતે ડોક્ટર્સને પણ માનસિક આઘાત આપ્યો છે.

આજે પણ એ રસ્તેથી પસાર નથી થતા

ડો. ભગીરથ ચાવડાએ કહ્યું કે, "અમે આજે પણ એ રસ્તેથી પસાર નથી થતા. મિત્રો માટે સ્પેશિયલ મેન્ટલ કાઉન્સિલિંગ રૂમ બનાવવો પડ્યો હતો." જ્યારે ફોરેન્સિક ટીમના ડો. વિપુલ આહીરે હૃદયદ્રાવક સ્થિતિ વર્ણવતા કહ્યું કે, "આજે પણ આંખો બંધ કરીએ તો એ મૃતદેહો નજરે ચડે છે. એક ગર્ભવતી મહિલાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, જે દ્રશ્ય જિંદગીભર ભૂલી શકાય તેમ નથી." બધાની એક જ માંગ છે કે આવી ઘટના બીજી વાર કોઈની સાથે ન થાય અને તંત્ર વહેલી તકે રિપોર્ટ સાર્વજનિક કરે.


આ પણ વાંચો---     Gujarat Latest News Live: હવે એક દિવસમાં 200 લીટરથી વધુ નહીં મળે ડીઝલ

  • Follow us on: