અમદાવાદના ઐતિહાસિક વારસા અને વૈશ્વિક ઓળખને અકબંધ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી વિસ્તાર (કોટ વિસ્તાર) અને તેના બફર ઝોનમાં કોઈ પણ નવું બાંધકામ કે વિકાસ કાર્ય કરવું એટલું સરળ નહીં રહે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં હવે કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી આપતા પહેલાં ‘હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
નિયમોનું માળખું તૈયાર કરાયું
આ કડક ગાઇડલાઇન પાછળનું મુખ્ય કારણ માર્ચ મહિનામાં યુનેસ્કો ની રિએક્ટિવ મોનિટરિંગ ટીમ દ્વારા લેવાયેલી મુલાકાત છે. આ હાઇલેવલ વિઝિટ બાદ, AMC અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ સાથે મળીને હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે એક વિગતવાર અને કડક મેટ્રિક્સ (નિયમોનું માળખું) તૈયાર કર્યું છે.
હેરિટેજ કન્ઝર્વેશન કમિટી આખા પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરશે
નવા કાયદા અનુસાર, વર્લ્ડ સિટી અથવા તેના બફર ઝોનની અંદર આવતા કોઈ પણ સરકારી, જાહેર કે ખાનગી પ્રોજેક્ટ માટે બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી ત્યારે જ આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકારની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી આખા પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરીને તેને લીલી ઝંડી આપશે. જોકે, આ નિયમોમાં નાના મિલકત ધારકોને વહીવટી પ્રક્રિયામાંથી થોડી મર્યાદિત રાહત ચોક્કસ આપવામાં આવી છે, પરંતુ જો તેમની મિલકત મુખ્ય હેરિટેજ ઝોન કે કોઈ સ્મારકની બિલકુલ નજીક હશે તો આ છૂટછાટ લાગુ પડશે નહીં.
વિકાસ અને પ્રાચીન હેરિટેજ વચ્ચે યોગ્ય સંતુલન
યુનેસ્કોના કડક સૂચનો બાદ અમલમાં આવેલી આ મંજૂરી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના આધુનિક વિકાસ અને પ્રાચીન હેરિટેજ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવાનો છે. નિષ્ણાતોના મતે, આ નવી ગાઇડલાઇનની સીધી અસર આગામી સમયમાં વર્લ્ડ હેરિટેજ વિસ્તારમાં થનારા બાંધકામની ગતિ અને તેના આર્કિટેક્ચરલ સ્વરૂપ બંને પર જોવા મળશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી