લખનઉના કોચિંગ ક્લાસમાં લાગેલી ભયાનક આગમાં 15 નિર્દોષ વિદ્યાર્થીઓના કરુણ મોતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ કાળજું કંપાવનારી દુર્ઘટના બાદ ગુજરાતના મહાનગરોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને લાઈબ્રેરીઓમાં વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત છે તે જાણવા 'સંદેશ ન્યૂઝ' દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં ગ્રાઉન્ડ ઝીરો પર કરાયેલા રિયાલિટી ચેકમાં અનેક ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી વિગતો સામે આવી છે.


અમદાવાદના ટ્યુશન ક્લાસની રિઆલીટી ચોંકાવનારી

સૌથી પહેલા મેગા સિટી અમદાવાદની વાત કરીએ તો, અહીં માનસી ચાર રસ્તા પાસે એક બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસ અને લાઈબ્રેરીમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. આખા સેન્ટરમાં આવવા-જવા માટે માત્ર 'એક જ એન્ટ્રી-એક્ઝિટ ગેટ' હતો. ફર્નિચરની ગીચ ગોઠવણના કારણે અકસ્માત સમયે વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર નીકળવામાં મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. 

સુરતમાં સ્મોક ડિટેક્ટર સિસ્ટમ જ ગાયબ 

તો બીજી તરફ સુરતમાં પણ રિયાલિટી ચેક દરમિયાન કેટલાક ક્લાસીસમાંથી સ્મોક ડિટેક્ટર સિસ્ટમ જ ગાયબ મળી આવી હતી અને કટોકટીના સમય માટે જરૂરી વધારાનો એક્ઝિટ ગેટ પણ નહોતો.લખનઉ કોચિંગ ક્લાસમાં ઘટેલી આગની દુર્ઘટના બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરત શહેરના વિવિધ ખાનગી કોચિંગ ક્લાસીસની મુલાકાત દરમિયાન મિશ્ર ચિત્ર સામે આવ્યું છે. તપાસ દરમિયાન એક ક્લાસીસમાં ફાયરના પ્રાથમિક ઉપકરણો તો ઉપલબ્ધ હતા, પરંતુ સરકારી નિયમો અનુસાર જરૂરી એવી સ્મોક ડિટેક્ટર સિસ્ટમ કે કટોકટીના સમયે બહાર નીકળવા માટેનો 'એક્ઝિટ ગેટ' ગેરહાજર જણાયા હતા, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. જોકે, બીજા એક ખાનગી કોચિંગ ક્લાસમાં સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન થતું જોવા મળ્યું હતું, જ્યાં સ્મોક ડિટેક્ટર સિસ્ટમ અને એક્ઝિટ ગેટ બંને કાર્યરત સ્થિતિમાં મળી આવ્યા હતા. આમ, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હજુ પણ કડક મોનિટરિંગ જરૂરી છે.

રાજકોટમાં તો સ્થિતિ અતિ ભયાનક

રાજકોટમાં તો સ્થિતિ અતિ ભયાનક જોવા મળી છે, જ્યાં માસૂમ વિદ્યાર્થીઓ જાણે જીવના જોખમે ભણી રહ્યા છે. રાજકોટના 'રાજ કોમ્પ્લેક્સ' બિલ્ડિંગમાં ચાલતા ક્લાસીસની ઇમારત જ અત્યંત જર્જરિત હાલતમાં છે. અહીં આગ બુઝાવવા માટે માત્ર ટાંચા અને અપૂરતા સાધનો છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર તો ફાયર સેફ્ટીનું એક પણ સાધન રાખવામાં આવ્યું નથી. 

વડોદરામાં જરૂરી સાધનો ઉપલબ્ધ 

આ ગંભીર ચિત્ર વચ્ચે વડોદરાના દાંડિયા બજાર સ્થિત 'ઇન્દુ ક્લાસીસ'માંથી રાહતના સમાચાર મળ્યા છે. અહીં ફાયર એક્સટિંગ્વિશર સહિત આગ પર કાબૂ મેળવવાના તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ હતા અને આપત્તિ સમયે ઝડપી બચાવ માટેની વ્યવસ્થાઓ નિયમ મુજબ કાર્યરત જોવા મળી હતી. લખનઉની ઘટના બાદ હવે વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે બેદરકાર ક્લાસ સંચાલકો સામે તંત્ર આકરા પગલાં ભરે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી

  • Follow us on: