ગુજરાતના આરોગ્ય તંત્રની આંખ ઉઘાડનારા અને કમકમાટી છૂટી જાય તેવા સત્તાવાર આંકડા સામે આવ્યા છે. વર્ષ 2025 અને વર્ષ 2026ના પ્રથમ 5 મહિનામાં રાજ્યમાં નોંધાયેલા બાળકોના જન્મ અને નવજાત માસૂમોના મોતના આંકડાએ સમગ્ર તબીબી જગત અને સરકારને વિચારતા કરી દીધા છે. સિવિલ રજીસ્ટ્રેશન એપ્લિકેશન અને આરોગ્ય વિભાગના પાકા ચોપડે નોંધાયેલી આ વિગતો માત્ર વસ્તી ગણતરી નથી, પરંતુ ગુજરાતના કથળતા બાળ સ્વાસ્થ્ય અને કુપોષણની સ્થિતિનો જીવતો જાગતો પુરાવો છે.
11 લાખ સામે 5 લાખના મોત
સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2025માં રાજ્યમાં કિલકિલાટ સાથે 11,53,425 બાળકોનો જન્મ થયો હતો. આ ખુશીની ક્ષણ વચ્ચે કાળઝાળ વાસ્તવિકતા એ છે કે તેની સામે 5,75,464 માસૂમો કાળનો કોળિયો બની ગયા હતા. ગણિત બહુ સીધું અને ડરામણું છે—રાજ્યમાં દર 1 બાળકના મૃત્યુ સામે માંડ 2 બાળકોનો જન્મ થઈ રહ્યો છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો તફાવત
શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો તફાવત તો આરોગ્ય ક્ષેત્રના દાવાઓની પોલ ખોલે છે. વર્ષ 2025માં શહેરોમાં 8.89 લાખથી વધુ બાળકો જન્મ્યા, જ્યારે ગામડાઓમાં આ આંકડો માત્ર 2.63 લાખ પર અટકી ગયો. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગામડાઓમાં આધુનિક સારવાર અને સુવિધાઓના અભાવે સગર્ભા મહિલાઓએ ડિલિવરી માટે શહેરો તરફ પલાયન કરવું પડે છે. જો કે, શહેરોમાં પણ બાળ મૃત્યુનો આંકડો 2.82 લાખને પાર થઈ ગયો છે જે ચિંતાનો વિષય છે.

2026ના પ્રથમ 5 મહિનામાં પણ સ્થિતિ વણસી
વાત માત્ર વીતેલા વર્ષની નથી, ચાલુ વર્ષ એટલે કે 2026ના પ્રથમ 150 દિવસો (1 જાન્યુઆરીથી 31 મે)નું ચિત્ર વધુ ભયાનક છે. આ 5 મહિનામાં ગુજરાતમાં કુલ 4,23,074 બાળકોનો જન્મ થયો, જેની સામે 2,14,410 બાળકોના મોત નીપજ્યા છે. છેલ્લા 2 વર્ષમાં પ્રતિ 1,000 દીકરાઓના જન્મ સામે દીકરીઓના જન્મનું પ્રમાણ માત્ર 933 થી 931 ની વચ્ચે રહ્યું છે. જન્મની સરખામણીએ બાળકીઓના મોતના આંકડા પણ વધુ પ્રમાણમાં નોંધાયા છે, જે ભવિષ્યમાં રાજ્યના લિંગ સંતુલન માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે
ગુણોત્તર ઘટી ગયો
સૌથી મોટું ડેન્જર સિગ્નલ એ છે કે વર્ષ 2025માં મૃત્યુ સામે જન્મનો જે ગુણોત્તર '2' હતો, તે 2026માં ઘટીને 1.97 પર આવી ગયો છે. આ નજીવો ઘટાડો પણ ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. જો મોતના આ તાંડવને અટકાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વસ્તી સંતુલન બગડી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર અને પ્રિ-મેચ્યોર ડિલિવરી મોટા કારણો
આ ગંભીર સ્થિતિ અંગે સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર ડો. નેહલ ગજેરાએ જણાવ્યું કે, "છેલ્લા બે વર્ષના ડેટા દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં બ્લડ પ્રેશર વધવાની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. બીપી વધવાને કારણે પ્રિ-મેચ્યોર (સમય પહેલા) ડિલિવરી કરાવવી પડે છે, જેમાં બાળકને બચાવવું અત્યંત મુશ્કેલ બને છે અને બાળ મૃત્યુદર વધે છે."
લિંગ ગુણોત્તર સુધર્યો હોવાનો દાવો
બીજી તરફ, આ આંકડાઓ વચ્ચે લિંગ ગુણોત્તર સુધર્યો હોવાનો દાવો પણ સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, "તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'બેટી બચાવો, બેટી પઢાઓ' આંદોલન અને સરકારના કડક પગલાંને કારણે આજે દીકરા અને દીકરીના જન્મ વચ્ચેનો સામાજિક તફાવત ઘણો ખરો ઓછો થઈ ગયો છે."
ગ્રામીણ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું જ પડશે
ડિજિટલ ઇન્ડિયા અને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોના યુગમાં પણ જો 150 દિવસમાં 2 લાખથી વધુ માસૂમો દમ તોડી દેતા હોય, તો આરોગ્ય વિભાગે કાગળ પરના દાવા છોડીને ગ્રામીણ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું જ પડશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી