અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા સાત એવી જગ્યા દર્શાવવામાં આવી છે જ્યાં ખુદ કોર્પોરેશન જ પાણી ભરાવાની સંભાવના વ્યકત કરી છે.તંત્રનું કહેવું છે કે આ સાત જગ્યાઓ એવી છે જ્યાં લોકોએ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડશે. ગમે તેવી કામગીરી કરવા છતાં અહીં પાણી ભરાશે. શહેરમાં ઇન્ડિયા કોલોની, સરખેજ, વટવા, મણિનગર, સાબરમતી વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાશે. 


શહેરમાં સાત જગ્યાએ પાણી ભરાશે

અમદાવાદ મનપાના એડિશનલ સીટી ઇજનેર વિજય પટેલે કહ્યું હતું કે, શહેરના ઈન્ડિયા કોલોની વોર્ડમાં સ્થિત ડી કોલોની રોડ પર ચોમાસામાં 12 ઈંચ જેટલું પાણી ભરાય છે જેનો નિકાલ થતાં બે કલાક જેટલો સમય લાગે છે. સરખેજ વોર્ડના મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસે 24 ઈંચ જેટલું પાણી ભરાય છે જેના નિકાલમાં પણ 2 કલાક જેટલો સમય લાગે છે. આ ઉપરાંત સરખેજ વોર્ડમાં શ્રીનંદ નગર વિસ્તારમાં 14 ઈંચ પાણી ભરાય છે. વાસણા વોર્ડમાં પ્રજાપતિ ગાર્ડન પાસે સાત ઇંચ પાણી ભરાય છે. સાબરમતી વોર્ડમાં કૈલા દેવી ખાતે આઠ ઈંચ પાણીનો ભરાવો થાય છે. મણીનગરમાં ઉત્તમનગર પાસે 12 ઈંચ પાણી ભરાય છે. જ્યારે વટવા મહાલક્ષ્મી તળાવ પાસે આઠ ઈંચ પાણી ભરાય છે. આ તમામ જગ્યાએ પાણીનો નિકાલ થતાં દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. 

શહેરમાં ગત વર્ષે 147 જગ્યાએ પાણી ભરાયા હતાં

મનપાના એડિશનલ સીટી ઇજનેર વિજય પટેલે વધુમાં કહ્યું હતું કે, શહેરમાં ગત વર્ષે 147 જગ્યાએ પાણી ભરાયા હતાં. ત્યારે જ 39 કામો પૂરા કરાયા હતાં. જ્યારે બાકીના 108 કામો છે તેની કામગીરી ચાલુ છે. આ કામગીરીને હજુ દોઢ વર્ષ જેટલો સમય લાગશે. શહેરમાં કેટલીક જગ્યાએ હજુ પંપ મુકવાની કામગીરી કરાશે. ખાનગી બેઝમેન્ટમાં હેવી વરસાદના પાણી ભરાતા હોય તો ખાલી કરાવાશે. 

આ પણ વાંચોઃ Gujarat Weather: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી



  • Follow us on: