સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત 'કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય યોજના' અંતર્ગત તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં વિકસિત ભારત અને કૃષિ ક્ષેત્રે મહિલાઓના યોગદાન પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી સ્થપાયેલી છે. કૃષિ ક્ષેત્રે જે કાંઈ પણ નવું સંશોધન થાય તે સરદાર સાહેબના સપનાનું ભારત બનાવવા તરફનું એક ડગલું છે.
નાના વ્યવસાયકારો પણ આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે
વિકસિત ભારત અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ખેતરમાંથી સીધું વેચાણ કરતા ખેડૂતો અને નાના વ્યવસાયકારો પણ આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બદલાતું 'નવું ભારત' છે. મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા ખેડૂતોના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે, મહિલાઓ માત્ર ખેતી જ નથી કરતી, પરંતુ ઘરના જટિલ સંચાલનની સાથે કૃષિ વ્યવસાયમાં પણ પોતાની કુશળતા સાબિત કરી રહી છે. 'ડ્રોન દીદી' અને 'લખપતિ દીદી' જેવી યોજનાઓ મહિલાઓની ક્ષમતાને નવા આયામો આપશે.
ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે
રાસાયણિક ખેતીથી વધતા જતા કેન્સર જેવા રોગો સામે ચિંતા વ્યક્ત કરી પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા પર ભાર મૂકતા મંત્રીએ ઉમેર્યું કે ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે. તેમણે તાલીમાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું કે એગ્રી-બિઝનેસમાં વિપુલ તકો રહેલી છે. આ તાલીમ દ્વારા યુવાનો સ્વરોજગારી મેળવીને દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બનશે.
મંત્રીએ મહિલા કૃષિકો સાથે સંવાદ કર્યો
આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટી હંમેશાથી ગ્રામીણ ઉત્થાન અને ખેતીના વિકાસ માટે કટિબદ્ધ રહી છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે પણ હવે સમય આવ્યો છે કે આપણે ખેતીને માત્ર નિર્વાહનું સાધન ન ગણતા તેને એક 'વ્યવસાય' (Business) તરીકે જોઈએ. 'એગ્રી-ક્લિનિક્સ અને એગ્રી-બિઝનેસ સ્કીમ' હેઠળ શરૂ થઈ રહેલો આ ટ્રેનિંગ પ્રોગ્રામ યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા 'એગ્રીપ્રેન્યોર' બનાવશે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને માર્કેટિંગના સમન્વયથી ખેતીમાં નૂતન પરિવર્તન લાવશે તેવો મને વિશ્વાસ છે.
આ પણ વાંચો : Ahmedabad News: જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં માંસના ટેન્ડરનો વિવાદ શમ્યો, હાઈકોર્ટે અરજી ફગાવી દીધી