ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને તે જૈન મંદિર હોવાના દાવાને લઈને ચાલી રહેલો વિવાદ આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા સંત સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી શક્તિનાથ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.


35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર

આ રેલીમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને જૈન સમાજના આગેવાનો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું છે.

પૌરાણિક જૈન મંદિર હોવાનો દાવો

તેઓની મુખ્ય માંગણી છે કે આ ઐતિહાસિક સ્થળની પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને તેની મૂળ ધરોહર જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જામા મસ્જિદના સ્થાને પૌરાણિક જૈન મંદિર હોવાનો દાવો સમિતિ દ્વારા ફરી એકવાર દોહરાવવામાં આવ્યો છે.

સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા રેલી દરમિયાન સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રથી આવેલા દર્શનાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિના આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચેની ચર્ચા બાદ, મહારાષ્ટ્રથી આવેલા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે જામા મસ્જિદની મુલાકાત લેવા જશે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પુરાવાઓના આ વિવાદે હાલ ભરૂચમાં ચર્ચાનું કેન્દ્ર જમાવ્યું છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ટ્રમ્પની 'શાંતિ ડીલ' પર ઇઝરાયેલનો વીટો, શું મિડલ-ઈસ્ટમાં ગમે ત્યારે ફાટી નીકળશે યુદ્ધ ?

  • Follow us on: