ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર આવેલી વિશાળ દિવાલ અચાનક નજીકમાં આવેલા રહેણાંક મકાન પર ધસી પડી હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.


કાટમાળ નીચે દબાયેલા પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ

દિવાલ પડવાની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશિષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. સદનસીબે, આ જ પરિવારની બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. તુરંત જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા

ફાયર ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે કે શું સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે નહીં.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો

  • Follow us on: