ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં નવનિર્મિત આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. થોડા જ સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ નવો રોડ ટૂંક સમયમાં જ તૂટી પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ટેસ્ટિંગ સેમ્પલ ફેલ થવાના કારણે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનો એક ભાગ તોડી નાખ્યો છે.
પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડનું નિર્માણ ગુણવત્તા વગર અને નિયમોનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. પરિણામે થોડા જ દિવસોમાં રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયો હતો. પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો હોવા છતાં આખો રોડ કેમ ન તોડવામાં આવ્યો તે અંગે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. લોકોનો આરોપ છે કે ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થયો છે.













