વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ટ્રેડમાર્ક અને કોપીરાઈટને લઈને સોશિયલ મીડિયા તેમજ ભક્તોમાં ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે મંદિર વહીવટીતંત્ર દ્વારા એક ખુબ જ મોટી અને મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.


 કોઠારી વિવેકસાગર સ્વામીએ આપી પ્રતિક્રિયા

 સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સંસ્થા દ્વારા હનુમાનજીના નામ, ભક્તિ કે પૂજા-અર્ચના પર કોઈ જ પ્રકારના કોપીરાઈટ લેવામાં આવ્યા નથી, પરંતુ મંદિર પરિસરમાં સ્થાપિત ચોક્કસ મૂર્તિના સ્વરૂપ (ડિઝાઇન)ના કોપીરાઈટ લેવાયા છે.

હનુમાનજી મહારાજ સૌના છે

મંદિર પ્રશાસન વતી વિવેકસાગર સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હનુમાનજી મહારાજ સૌના છે અને તેમના પર દુનિયાની કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પોતાનો એકહથ્થુ અધિકાર જમાવી શકે નહીં."

 ડિજિટલ પ્લેટફોર્મ પર ભક્તો સાથે થતી છેતરપિંડી

આ કડક નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ ડિજિટલ પ્લેટફોર્મ પર ભક્તો સાથે થતી છેતરપિંડી અટકાવવાનું છે. છેલ્લા કેટલાક સમયથી નકલી વેબપેજ, ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ભ્રામક ડિજિટલ સામગ્રી દ્વારા ભક્તોની આસ્થા સાથે ચેડા કરીને આર્થિક ઠગાઈના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા નકલી તત્વો સામે કાયદાકીય રક્ષણ મેળવવા માટે જ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

સનાતન ધર્મની એકતા અને ગરિમા જાળવી રાખવા અપીલ

આ ઉપરાંત, બજારમાં ચીનથી નકલી અને હલકી ગુણવત્તાની મૂર્તિઓ મંગાવીને સસ્તી કિંમતે વેચવાના ચાલતા કૌભાંડ અને ટ્રેડમાર્ક ચોરીના મુદ્દા પર પણ મંદિરે પોતાનો પક્ષ રાખ્યો છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી મંદિરની છબી અને ભક્તોની પવિત્ર ભાવના દુભાય છે. અંતમાં કોઠારી સ્વામીએ અપીલ કરતા ઉમેર્યું હતું કે, સનાતન ધર્મની એકતા અને ગરિમા જાળવી રાખવા માટે આવા સંવેદનશીલ ધાર્મિક વિષયો પર કોઈએ પણ રાજકારણ ખેલવું જોઈએ નહીં.


આ પણ વાંચો----     Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય

  • Follow us on: