છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન, વહન અને સંગ્રહ સામે જિલ્લા પ્રશાસન દ્વારા કડક અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે જિલ્લામાં કાર્યવાહી અને દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો હતો.


નવેમ્બર 2025 અંતિત જિલ્લામાં કુલ 953 કેસ નોંધાયા

ગત વર્ષે નવેમ્બર 2024 અંતિત જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વડન અને સંગ્રહના કુલ 474 કેસ કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ રૂપિયા 644.78 લાખની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે કે ચાલુ વર્ષે નવેમ્બર 2025 અંતિત જિલ્લામાં કુલ 953 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં રૂપિયા 1290.44 લાખની નોંધપાત્ર વસુલાત કરવામાં આવી હતી. આ આંકડાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એક વર્ષમાં કેસોની સંખ્યા તથા દંડ વસુલાત બંનેમાં બમણીથી વધુ વધારો થયો હતો.

કાયદાનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં અપાય

જિલ્લા પ્રશાસન દ્વારા ખાણ લીઝ, ક્વેરી અને બ્લોક્સનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગેરરીતિ સામે તાત્કાલિક દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ ક્વેરી, બ્લોક અને સ્ટોકની માપણીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગેરકાયદેસર ખનન પર કડક નિયંત્રણ પર્યાવરણ સંરક્ષણ અને કાયદાના પાલન માટે અનિવાર્ય છે. જિલ્લા પ્રશાસન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં અપાય અને આવનાર સમયમાં પણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સામે આવી જ કડક કાર્યવાહી અવિરત રીતે ચાલુ રહેશે.


આ પણ વાંચો: Valsad : 3 દિવસના 'સશક્ત નારી મેળા'માં 18 લાખ રૂપિયાનું વેચાણ, લોકોએ હોંશે હોંશે ખરીદી કરી


  • Follow us on: