વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અભિયાન તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુર રોડ પર સી.બી. હાઈસ્કૂલના મેદાનની બાજુમાં 19થી 21 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વ્યાપક પ્રતિસાદ મળતા માત્ર ત્રણ જ દિવસમાં 75 જેટલા સ્ટોલ ધારકોને કુલ રૂપિયા 18 લાખની આવક થતા આ સશક્ત નારી મેળો ખરા અર્થમાં સખી મંડળની બહેનો માટે સાર્થક પૂરવાર થયો હતો.
75 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મંત્રી કનુ દેસાઈએ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ, ક્રાફ્ટ, ખેતીવાડી, બાગાયત સહિત સખી મંડળીના કુલ 75 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મેળામાં ઉમટી ધૂમ ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.
જાડા ધાન્યની વલસાડવાસીઓએ પણ હોંશે હોંશે ખરીદી કરી
આ મેળાથી મહિલા સશક્તિકરણની નેમ સાથે મહિલાઓને સાચા અર્થમાં રોજગારી મળતા સખી મંડળની બહેનોની લખપતિ દીદીની સફર શરૂ થઈ હતી. આ મેળામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના સખી મંડળની બહેનો દ્વારા જાડા ધાન્યને પણ પ્રોત્સાહન આપવાથી ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા સ્વ સહાય જૂથોને પણ લાભ મળ્યો હતો. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક જાડા ધાન્યની વલસાડવાસીઓએ પણ હોંશે હોંશે ખરીદી કરી હતી.
સ્વદેશી વસ્તુનું વધુને વધુ વેચાણ
સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયાએ સ્વદેશી વસ્તુનું વધુને વધુ વેચાણ થાય તે અર્થે પરિવાર સાથે સશક્ત નારી મેળામાં પહોંચી ખરીદી કરી હતી. આ સિવાય વિવિધ ખાતાના અધિકારી અને કર્મચારીઓએ પણ ખરીદી કરી મહિલાઓનો ઉત્સાહ વધારી મહિલા સશક્તિકરણ સાથે વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Junagadh: 309 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું, મ્યુલ એકાઉન્ટ દ્વારા દુબઈ મોકલાતા હતા નાણાં