દેશભરમાં સોશિયલ મીડિયા અને લિંક્સ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરતી કુખ્યાત 'જામતારા ગેંગ'ના સુનિયોજિત નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર પોલીસે આંતરરાજ્ય કૌભાંડ ચલાવતી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર અને એપીકે ફાઇલ ડેવલોપર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ત્રણ આરોપી ઝડપાયા
પકડાયેલા શખ્સોમાં મુખ્ય મોડ્યુલર પૂર્નાનંદ ઉર્ફે મુકેશ તિવારી, વિકાસ દાસ અને સીતારામ મંડળનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ સમગ્ર દેશમાં અસંખ્ય ગુનાઓ બહાર આવે તેવી પ્રબળ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
નકલી એપ્લિકેશન બનાવી હતી
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે અમદાવાદના એક નાગરિકને સાબરમતી ગેસ લિમિટેડના નામે નકલી APK ફાઇલ મોકલીને રૂ. 6.70 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે પૂર્નાનંદ ગુનાહિત સોફ્ટવેર અને ટેલિગ્રામ બોટ બનાવતો હતો, જેને વિકાસ દાસ દર મહિને આશરે 400 જેટલા સાયબર ગુનેગારોને 12 હજાર રૂપિયાના ભાડા પર વેચતો હતો. જ્યારે ત્રીજો આરોપી સીતારામ મંડળ બોગસ ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ડોમેન પૂરા પાડીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હતો. આ ગેંગે 18 જેટલી ખાનગી બેંકો, આરટીઓ , ઈ-ચલણ, ગેસ બિલ અને બેંક કેવાયસી ના નામે નકલી એપ્લિકેશન બનાવી રાખી હતી.
ટોળકી દર મહિને રૂ. 40 થી 50 લાખની કમાણી કરતી
પોલીસ પૂછપરછમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ સ્કેમર્સ લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 'SBI Yono Cash' સર્વિસનો દુરુપયોગ કરતા હતા. જેના કારણે તેઓ કાર્ડ વિના, માત્ર એક ઓટીપી ની મદદથી દેશના કોઈપણ ખૂણેથી એટીએમમાંથી રોકડા રૂપિયા વિડ્રો કરી લેતા હતા. આ ટોળકી દર મહિને રૂ. 40 થી 50 લાખની કમાણી કરતી હતી અને દર અઠવાડિયે પાંચ લાખથી વધુના ટ્રાન્જેક્શન થતા હતા. હાલ સાયબર ક્રાઇમ આ ગેંગના દેશવ્યાપી કનેક્શન અને અન્ય ભોગ બનનારાઓની વિગતો મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો----- Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ