જૂનાગઢ શહેરમાં આર્થિક ગુનાઓ અને મારામારી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતી કુખ્યાત ટોળકીના મુખ્ય સૂત્રધાર ધીરેન કારિયા સામે પોલીસે કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે.GUJCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા ધીરેન કારિયાને કોર્ટે ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જો તે ૩૦ દિવસમાં હાજર નહીં થાય તો તેની તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે.


સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં રિપોર્ટ કરવામાં આવ્યો

સમગ્ર મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ એપ્રિલ ૨૦૨૫માં જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અગાઉ ધીરેન કારિયાના અન્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. જોકે, મુખ્ય આરોપી ધીરેન કારિયા સતત પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે. આરોપી પકડાતો ન હોવાથી પોલીસ દ્વારા ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાનો હુકમ

જેના પગલે કોર્ટે પહેલા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૭૨ મુજબ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. તેમ છતાં આરોપી હાજર ન થતાં, હવે કોર્ટે BNSSની કલમ ૮૨ મુજબ ફરાર જાહેરનામું ઇશ્યુ કર્યું છે.હાલના જાહેરનામા મુજબ, આરોપીને ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન ધીરેન કારિયા કોર્ટ સમક્ષ કે પોલીસ સમક્ષ હાજર નહીં થાય, તો કાયદાની કલમ ૮૫ મુજબ તેની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવશે.

પોલીસે હવે જાહેર માધ્યમોનો સહારો લીધો

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે હવે જાહેર માધ્યમોનો સહારો લીધો છે. કોર્ટના આદેશ મુજબ આરોપીના ફોટા સાથેના વોરંટના પોસ્ટરો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવીને પ્રસિદ્ધિ કરવામાં આવી છે. પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે આ આરોપી વિશે કોઈપણ માહિતી હોય તો પોલીસને જાણ કરવી. માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


આ પણ વાંચોઃ Surat News: લુમ્સના કારખાનામાં આગ લાગતા અફરા તફરી મચી, ત્રીજા માળે ફસાયેલા વ્યક્તિને ફાયરના જવાનોએ બચાવ્યો


  • Follow us on: