સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી સુરતની યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાકીય સકંજામાં આવી છે. જૂનાગઢના એક યુવાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 20 લાખની ખંડણી માગવા બદલ કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અફઝલ સીડાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સમગ્ર વિવાદની શરૂઆત શિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે થયેલી ચર્ચાથી થઈ હતી. કીર્તિ પટેલે સાધુ-સંતો વિશે વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેનો વિરોધ કરતા જૂનાગઢના અફઝલ કારાભાઈ સીડા નામના યુવાને એક વળતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વાતનો ખાર રાખી કીર્તિ પટેલ અને તેની ગેંગે અફઝલ પર વીડિયો ડિલીટ કરવા દબાણ કર્યું હતું. આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો વીડિયો ડિલીટ નહીં કરવામાં આવે તો જૂનાગઢની દિવ્યા સાવલાણી નામની યુવતી દ્વારા તેના પર બળાત્કારનો ખોટો કેસ કરવામાં આવશે. આ કેસ ન કરવાના બદલામાં આરોપીઓએ ફરિયાદી પાસે રૂ. 20 લાખની માગણી કરી હતી. સતત મળતી ધમકીઓ અને સામાજિક બદનામીના ડરથી માનસિક તણાવમાં આવી ગયેલા અફઝલ સીડાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે જેતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો
જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં 'ઝીરો નંબર' થી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી છે. પોલીસે આ કેસમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં જૂનાગઢમાં જ આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી છે.
મૃગીકુળમાં સ્નાનનો વિવાદ દિવસેને દિવસે વધુ કપરો બન્યો
બીજી બાજુ ફરીયાદી અફઝલ સીડા એ કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાની સામે ફરિયાદ નોંધાવી છે તે આરોપી દિવ્યા સાવલાણીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હું આ નામના વ્યક્તિને ઓળખતી નથી. ફરિયાદી અફઝલ સિડા કીર્તિ પટેલની વિરુદ્ધમાં વીડિયો બનાવી સોશિયલ અપલોડ કર્યો હતો જેનો જવાબ મેં આપ્યો છે અને ટૂંક સમયમાં જ કીર્તિ પટેલ સાધુ-સંતોના કાળા ચોપડાઓ ખોલશે જે ન ખોલી શકે તે માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે અને ખોટી ફરિયાદ કરવામાં આવી છે. શિવરાત્રી મેળામાં મૃગીકુળમાં સ્નાનનો વિવાદ દિવસેને દિવસે વધુ કપરો બનતો જાય છે કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુના વિવાદને લઈને હવે અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પોતાના લાગતા પક્ષ મૂકી રહ્યા છે ત્યારે આ મામલો હવે ક્યારે શાંત પડશે અને કરેલી ફરિયાદમાં સત્ય શું છે તે ક્યારે બહાર આવશે તેના ઉપર લોકોની મીટ મંડાય છે.
આ પણ વાંચો : Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો