પવિત્ર યાત્રાધામ દ્વારકાના ગ્રામ્ય પંથકમાંથી આશરે 50 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે ગૌભક્તો અને સ્થાનિક રહેવાસીઓની લાગણી દુભાઈ છે અને વાતાવરણને તંગ બન્યું છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર ગણવામાં આવતી હોવાથી આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને પંથકમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે ફિટકારની વર્ષા થઈ રહી છે.
પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપરત કરી રજૂઆત કરી
ઘટનાના વિરોધમાં દ્વારકા તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો એકઠા થયા હતા. તાલુકા પંચાયત કચેરીથી પ્રાંત અધિકારીની કચેરી સુધી વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એકસૂરે આ કૃત્યને વખોડી કાઢ્યું હતું અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપરત કરી રજૂઆત કરી હતી કે ધાર્મિક નગરીની પવિત્રતા જાળવવા માટે આવા ગુનાખોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી અનિવાર્ય છે.













