ગુજરાત વિધાનસભામાં આજથી વાર્ષિક બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18મી ફેબ્રુઆરીએ વર્ષ 2026-27 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. જો કે રસપ્રદ વાત એ છે કે આ વખતે બજેટ સત્ર શરુ થયાના ત્રીજા દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે.
કનુભાઇ દેસાઇ 18 તારીખે પાંચમી વખત ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે
નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 18 તારીખે પાંચમી વખત ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જે ખુબ જ મહત્વપૂર્ણ ગણાય રહ્યું છે. વિધાનસભા સંકુલમાં ચર્ચાતી માહિતી મુજબ આ વર્ષે રાજ્યનું બજેટ 4,00,000 કરોડને પાર કરી શકે તેવી શક્યતા છે. આ વખતે બજેટમાં ગત વર્ષની સરખામણીએ આશરે 15 ટકા વધારો જોવા મળવાની સંભાવના છે.
સામાન્ય રીતે બજેટ સત્રના પ્રારંભના બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે
જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે બજેટ સત્રના પ્રારંભના બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. જોકે આ વખતે ફેરફાર કરાયો છે અને સત્ર શરૂ થયા પછી ત્રીજા દિવસે, એટલે કે 18મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે.
અગાઉ 17મી ફેબ્રુઆરીને બજેટની તારીખ હતી
ઉલ્લેખનિય છે કે વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ અગાઉ 17મી ફેબ્રુઆરીને બજેટની તારીખ રાખવામાં આવી હતી. સચિવાલય વર્તુળોમાં ચર્ચા અનુસાર આવતીકાલે ગ્રહણ હોવાને કારણે તારીખ બદલવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરાઇ નથી.
બજેટમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ જોવા મળી શકે
આ વર્ષે લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, બજેટમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ, માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાતોની સંભાવના વ્યક્ત થાય છે. ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભરૂપ થવા યોગ્ય પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો------ Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, નામચીન ગોટી સામે નોંધાયા 6થી વધુ કેસ