મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે,ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે.


આશરે 300થી વધુ તળાવો ભરવા સૂચના

મંત્રીએ જણાવ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીએ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે.અગાઉ નર્મદા પાઇપલાઇનથી 3 કીલોમીટર સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં આવતા હતા. હવેથી પાઈપલાઈનથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે.જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે 300થી વધુ તળાવો ભરવા પણ સૂચના આપી છે.    

કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે

ખરીફ-2026 માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.કૃષિ વિભાગે અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે આકસ્મિક પાક આયોજન તૈયાર કર્યા છે.જેમાં વૈજ્ઞાનિક સલાહ અને વૈકલ્પિક ટૂંકા ગાળાના તથા ઓછા પાણીએ પાકતા પાકોની વિગતો ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને AI ડ્રિવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં 117% વરસાદ નોંધાયો હતો

સંભવિત અલનીનોની સ્થિતિમાં પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.હાલમાં રાજ્ય સરકાર પાસે 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે.વર્ષ 2000થી 2026 દરમિયાન રાજ્યમાં કુલ 8 ખરીફ અલ-નીનો વર્ષ નોંધાયા છે.ભૂતકાળના ડેટા દર્શાવે છે કે દરેક અલ-નીનો વર્ષ નબળું નથી હોતું.વર્ષ 2006 અને 2023માં અત્યંત તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં 117% વરસાદ નોંધાયો હતો. 


આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં ત્રણ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન ફૂંકાઈ શકે છે



  • Follow us on: