ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે.આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી.
રૂપીયા 1567 કરોડના રોકાણ મંજૂર કરાયા
ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં સ્થાન અપાવવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી.આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે.યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને મોટા પાયે ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે.આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને આશરે 1,65,053 સીધી રોજગારીનું સર્જન થયું છે.













