26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ છે.રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક રીતે કડકાઈથી અમલી બનાવી છે.આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3700થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
13600 કરોડથી વધુ કિંમતનો જથ્થો અત્યાર સુધી જપ્ત કરાયો
આ વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ.13600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવી છે.આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્થો પકડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકો બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની નીતિ અપનાવી છે.
ડિજિટલ અને અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ
આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ અને અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરે છે ત્યારે તેમની સામે જીતવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે.ડ્રગ્સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત NARIT સોફ્ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.આ સોફ્ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્સ, તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ, નાણાકીય વ્યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્ડોમાં સ્કેન કરીને ઇન્ટેલિજન્સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્થાનિક પેડલર સુધી સીમિત ન રહેતા, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘ટોપ ટૂ બોટમ એપ્રોચ’ અપનાવાયો છે.
ડ્રગ્સ વિરુદ્ધ વ્યુહાત્મક એક્શન પ્લાન
ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય તાર અને સપ્લાય ચેઈનને તોડવા ખાસ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત કરવામાં આવી છે.રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકની સૂચનાથી હવે માત્ર SOG કે ATS જ નહીં પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નાર્કોટિક્સના કેસ કરી તેની સીધી તપાસ કરી શકશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના છેવાડાના ગામડાઓ સુધી નશાનો વ્યાપ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલની રચના કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.વર્ષ 2020માં જ્યાં રાજ્યમાં નાર્કોટિક્સના માત્ર 315 કેસ નોંધાયા હતા જ્યારે આ ચાલુ વર્ષે માત્ર પાંચ જ મહિનામાં 584 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ AMCમાં નવી કમિટીઓમાં વિપક્ષને સ્થાન ના મળતા ભડકો, સામાન્ય સભામાં કોંગ્રેસે ગજવ્યા 'સંવિધાનની હત્યા'ના નારા