અરવલ્લી પર્વતમાળામાં થતા ગેરકાયદે ખનન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે ગેરકાયદે ખનનને 'ગંભીર અપરાધ' ગણાવતા ચિંતા વ્યક્ત કરી હતી કે તેનાથી પર્યાવરણ પર ન ભરપાઈ થઈ શકે તેવી અસરો પડી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણા જેવા સંબંધિત રાજ્યોને આગામી 4 અઠવાડિયામાં ખનન પ્રવૃત્તિઓ અને તેને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં અટકે તો પર્યાવરણીય આપત્તિ સર્જાઈ શકે છે.
પર્યાવરણીય કટોકટી
કોર્ટે 100 મીટરની ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ 'અરવલ્લી' ગણવા અંગેના વિવાદાસ્પદ નિયમ પર હાલ પૂરતી રોક યથાવત રાખી છે અને જ્યાં સુધી નવો મેનેજમેન્ટ પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી નવી માઇનિંગ લીઝ આપવા પર પણ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે સંકેત આપ્યો હતો કે ગેરકાયદે ખનન રોકવા અને સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે નિષ્ણાતોની એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર સપાટી પરની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચીને ભ્રષ્ટાચાર અને માફિયાગીરી નાબૂદ કરવી અનિવાર્ય છે.













