ગુજરાતભરમાં જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મોટા ઉપાડે 'શાળા પ્રવેશોત્સવ' ઉજવાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી સરકારી શિક્ષણના દાવાઓની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢની વિશળ હડમતીયા શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જ સરકારી શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તાના લીરેલીરા ઊડી ગયા હતા. અહીં ધોરણ-9 માં ભણતા એક વિદ્યાર્થીને સામાન્ય અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે 'ABCD' પણ લખતા કે બોલતા ન આવડતા હાજર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પ્રવેશોત્સવમાં જ ખૂલી ગઈ પોલ
મળતી માહિતી મુજબ, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત જ્યારે ઉચ્ચ અધિકારીઓ વિશળ હડમતીયા શાળાની મુલાકાતે હતા, ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ધોરણ-9 ના એક વિદ્યાર્થીને સામાન્ય જ્ઞાન અને અંગ્રેજીના પાયાના અક્ષરો વિશે પૂછવામાં આવતા તે ઉત્તર આપી શક્યો ન હતો. માધ્યમિક શાળામાં પહોંચેલા વિદ્યાર્થીને પ્રાથમિક કક્ષાની 'ABCD' પણ ન આવડતી હોવાની બાબત સામે આવતા જ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.













