કચ્છના પ્રવેશદ્વાર સમાન વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સુરજબારી ટોલનાકા પર સવારથી ભારે હોબાળો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે પર ઓવરલોડ ડમ્પરો અને ટોલ પ્રશાસન વચ્ચે ફાટી નીકળેલા વિવાદના કારણે આશરે 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના લીધે હજારો નાના-મોટા વાહનચાલકો અને એસટી બસના મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વધારાનો પેનલ્ટી ચાર્જ વસૂલવાની કામગીરી
મળતી વિગતો મુજબ, સુરજબારી ટોલનાકાના સત્તાધિકારીઓ દ્વારા સરકારી નિયમ અનુસાર ઓવરલોડ માલસામાન ભરીને જતા વાહનો અને ડમ્પરો પાસેથી વધારાનો પેનલ્ટી ચાર્જ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ડમ્પર ચાલકો આ વધારાનો ઓવરલોડ ચાર્જ ચૂકવવા તૈયાર નહોતા.













