અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ પાલડી વિસ્તારમાં મધરાતે જાહેરમાં મારામારી અને જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલડીની સુખસાગર સોસાયટી પાસે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ એક 45 વર્ષીય વ્યક્તિ પર કુહાડી જેવા ઘાતક હથિયારથી હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.


શું છે સમગ્ર બનાવ?

મળતી માહિતી મુજબ, 45 વર્ષીય પોપટભાઈ મકવાણા નામની વ્યક્તિ પર વિજય પરમાર, ઉમેશ રાઠોડ અને હાર્દિક રાઠોડ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને આ શખ્સોએ પોપટભાઈને જાહેરમાં ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ કુહાડી જેવા હથિયાર વડે પોપટભાઈ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. સૌથી કરૂણ બાબત એ છે કે, જ્યારે આ હુમલો થયો ત્યારે પોપટભાઈના પત્ની ત્યાં હાજર હતા અને તેમની નજર સામે જ પતિને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા.

હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહી

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત પોપટભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલડી પોલીસે આ મામલે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ

શહેરના ભરચક વિસ્તારમાં મધરાતે આ પ્રકારે જાહેરમાં હથિયારો ઉછળતા હોવાની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પત્નીની નજર સામે જ પતિ પર થયેલા આ હુમલાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો----     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

  • Follow us on: